ભૂતકાળમાં નીટમાં ગેરરીતિઓમાં મેડિકલના વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાની શંકાના આધારે આ નિર્ણય લેવાયો
નીટની સુરક્ષાના નામે મેડિકલ છાત્રોને નજરકેદ કરવાના એનએમસીના પરિપત્રથી રોષ
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
દેશભરમાં આગામી 3જી મેના રોજ યોજાનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટને લઈને નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્રીય શિક્ષણ વિભાગે લીધેલા એક વિચિત્ર નિર્ણયને કારણે મેડિકલ જગતમાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. જેના કારણે આગામી દિવસોમાં મેડિકલ વિદ્યાર્થીઓના જુદા જુદા સંગઠનો દ્વારા આ પ્રકારના પરિપત્રનો વિરોધ કરવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
પરીક્ષાની ગેરરીતિ અટકાવવા અને સુરક્ષાના કારણોસર 2 અને 3 મેના રોજ તમામ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કેમ્પસ ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશને વિદ્યાર્થી સંગઠનોએ અન્યાયી નીતિ ગણાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. શનિવાર અને રવિવાર વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર નીકળવા ન દેવાનો નિર્ણય અત્યાચાર સમાન હોવાનો આક્રોશ વ્યાપ્યો છે. એનએમસી દ્વારા જારી કરાયેલ પરિપત્રમાં જણાવાયું છે કે, ભૂતકાળમાં નીટમાં ગેરરીતિઓમાં મેડિકલના વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાની શંકાના આધારે આ નિર્ણય લેવાયો છે. પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોવાથી તેની સંવેદનશીલતા અને સલામતી માટે અનેક પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. જેના અનુસંધાનમાં 2 અને 3 મેના રોજ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રજા ન આપી શકાશે નહીં. મેડિકલના વિદ્યાર્થીઓ કહે છે કે, પરીક્ષાનું વ્યવસ્થિત સંચાલન કરવાની અને કોઈપણ પ્રકારની ગેરરીતિઓ ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની હોય છે. મેડિકલના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં ગેરરીતિ કરાવે છે તેવું માનીને તા.2 અને તા.3 એટલે કે શનિવાર અને રવિવારે વિદ્યાર્થીઓને રજાના દિવસે કેમ્પસમાં ગોંધી રાખવા તે કોઈપણ રીતે યોગ્ય અને ન્યાયી નથી.
જવાબદારીમાંથી છટકવા પ્રયાસ :
શિક્ષા ક્ષેત્રે જગ્યાએ મેડિકલના વિદ્યાર્થીઓની ભાગીદારી રાખી આવી હોય તો પણ તે વિસ્તાર કે રાજ્ય પૂરતું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. જેના કારણે સમગ્ર દેશના મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈપણ કારણ વગર બે દિવસ કેમ્પસની બહાર ન નીકળવા દેવા તે અન્યાય અને સૌથી હેરાનગતિ છે. આગામી દિવસોમાં મેડિકલ વિદ્યાર્થીઓના જુદા જુદા સંગઠનો દ્વારા આ પ્રકારના પરિપત્રનો વિરોધ કરવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.