India

સંજય કપૂરની મિલકત પર સ્ટે: કરિશ્માના બાળકોને હાઇકોર્ટથી મોટી રાહત, પ્રિયા કપૂર મિલકત વેચી શકશે નહીં

દિલ્હી હાઈકોર્ટે ઉદ્યોગપતિ સંજય કપૂરની મિલકત સાથે જોડાયેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ અને નોંધપાત્ર નિર્ણય ગૉઆપ્યો છે. આ નિર્ણયથી અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિયાનને મોટી રાહત મળી છે. સાથે જ સંજય કપૂરની વર્તમાન પત્ની પ્રિયા કપૂરને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટના આદેશ મુજબ, સંજય કપૂરની મિલકતો હાલ માટે કોઈ પણ રીતે વેચી અથવા ટ્રાન્સફર કરી શકાશે નહીં. ઉપરાંત, તેમના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. એટલે કે, આ કેસનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સંપત્તિમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે.

આ કેસનું મુખ્ય કારણ સંજય કપૂરના વસિયતનામા (Will)ને લઈને ઉભા થયેલા સવાલો છે. કરિશ્મા કપૂરના બાળકો અને સંજય કપૂરની માતાએ વસિયતનામાની ખરાઈ અને માન્યતા પર શંકા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે વસિયતનામા અંગે કંઈક ગડબડ હોઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં તેમના હક્કો પર અસર પડી શકે છે. હાઇકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈને કહ્યું કે, જો ટ્રાયલ દરમિયાન વસિયતનામા નકલી અથવા ગેરમાન્ય સાબિત થાય, તો બાળકો સાથે અન્યાય થઈ શકે છે. તેથી, અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી સંપત્તિનું રક્ષણ કરવું જરૂરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સંપત્તિનો નાશ ન થવો જોઈએ અને તેને સુરક્ષિત રાખવી જોઈએ. કોર્ટે એ પણ જણાવ્યું કે પ્રિયા કપૂર પર હવે જવાબદારી છે કે તેઓ બાળકો દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓને દૂર કરે. એટલે કે, વસિયતનામા સાચું છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી હવે તેમની રહેશે. આ સમગ્ર મામલામાં, કરિશ્મા કપૂરના બાળકો દ્વારા દાખલ કરાયેલી અરજીને કોર્ટે સ્વીકારી છે અને વચગાળાનો મનાઈ હુકમ (Interim Stay) આપ્યો છે. આ હુકમ હેઠળ, પ્રિયા કપૂર સંજય કપૂરની મિલકતનું વિતરણ અથવા વેચાણ કરી શકશે નહીં.

આ નિર્ણયથી કરિશ્મા કપૂર અને તેમના બાળકો માટે પરિસ્થિતિ થોડું અનુકૂળ બની છે, કારણ કે હવે તેમની હક્કોની સુરક્ષા થશે. બીજી તરફ, પ્રિયા કપૂર માટે આ નિર્ણય મુશ્કેલીભર્યો સાબિત થયો છે, કારણ કે હવે તેઓ મિલકત પર કોઈ તાત્કાલિક નિયંત્રણ મેળવી શકશે નહીં. આ કેસ હવે ટ્રાયલ સ્ટેજમાં જશે, જ્યાં વસિયતનામાની ખરાઈ અને કાયદેસરતા તપાસવામાં આવશે. અંતિમ નિર્ણય આવ્યાના પછી જ સ્પષ્ટ થશે કે સંપત્તિ કોના હક્કમાં જશે. દિલ્હી હાઈકોર્ટે લીધેલો આ નિર્ણય એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ પક્ષને તાત્કાલિક નુકસાન ન થાય અને તમામ બાબતો કાયદેસર રીતે તપાસાયા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવે.

Most Popular

To Top