પ્રતિનિધિ ગોધરા તા.28
આપની એન્ટ્રી અને કોંગ્રેસનો સફાયો
પંચમહાલમાં કોંગ્રેસનું પત્તું કપાતા સ્થાનિક નેતાઓમાં ભારે મુંઝવણ અને નારાજગી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં પંચમહાલ જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. જિલ્લા પંચાયતની કુલ ૩૮ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૩૭ બેઠકો પર પોતાનો કબજો જમાવ્યો છે. આ ૩૮ બેઠકોમાંથી ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે બાકીની ૩૧ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ૩૦ બેઠકો પર ભાજપે જંગી બહુમતીથી જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એક બેઠક જીતીને જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. જ્યારે કોંગ્રેસ પક્ષને સ્થાનિક મતદારોએ સદંતર નકારી કાઢતા એક પણ બેઠક મળી શકી નથી અને પક્ષ શૂન્ય પર સમેટાયો છે.
ચૂંટણી પંચની વેબસાઇટના આંકડાઓ અનુસાર, ભાજપના ૭ ઉમેદવારો અણીયાદ, ઘામણોદ-૭, કરોલી, મંગલીયાણા, નદીસર, નાંદરવા-૨૧ અને સાંપા બેઠક પરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. મતદાન પ્રક્રિયા બાદ જાહેર થયેલા પરિણામોમાં પણ ભાજપનો એકતરફી માહોલ જોવા મળ્યો હતો. જેમાં જાંબુઘોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કવીતાબેન બારીઆએ ૧૯,૦૦૨ જેટલા માતબર મતો મેળવીને સૌથી મોટી જીત નોંધાવી છે. આ ઉપરાંત વેજલપુર બેઠક પરથી નિરજકુમાર પટેલે ૧૫,૨૫૭ મતો અને સાલીયા બેઠક પરથી લલીતાબેન પટેલે ૧૪,૮૫૨ મતો મેળવીને વિપક્ષોને કારમી પછડાટ આપી છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ દસ હજારથી વધુ મતો અંકે કરીને મતદારોનો અતૂટ વિશ્વાસ સાબિત કર્યો છે.
સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભાજપની આ પ્રચંડ લહેર વચ્ચે ૧૬-ખરોડની બેઠકે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખરોડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયોતિકાબેન બળવંતસિંહ બારીઆએ ૮,૪૧૦ મતો મેળવીને જીત નોંધાવી છે અને જિલ્લા પંચાયતમાં આપની સત્તાવાર એન્ટ્રી કરાવી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના આ પરિણામો સ્પષ્ટ કરે છે કે ગ્રામ્ય અને જિલ્લા સ્તરે મતદારોએ વિકાસના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. કોંગ્રેસની આ સળંગ હાર અને સમગ્ર જિલ્લા પંચાયતમાં ખાતું પણ ન ખૂલવું એ પક્ષની સ્થાનિક નેતાગીરી માટે મોટો ફટકો અને ભારે ચિંતાનો વિષય બની ગયો છે.
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળતા સ્થાનિક નેતાગીરીમાં ભારે નારાજગી અને નિરાશા જોવા મળી રહી છે. પરિણામમાં એક પણ સીટ ન મળતા કોંગ્રેસના નેતાઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ જોર પકડી રહી છે કે કોંગ્રેસના નેતાઓનો પ્રજા સાથે સીધો સંપર્ક ઘટી ગયો છે. ક્યાંક ને ક્યાંક લોકો સાથેના સંબંધો ઓછા હોવા અને જમીની સ્તરે પક્ષની નિષ્ક્રિયતા જ આ હારનું મુખ્ય કારણ બની છે જેના લીધે મતદારોએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે અને પક્ષ શૂન્ય પર સમેટાયો છે