Gujarat

​રાજકોટ : ૨૦ લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસીબીના સકંજામાં

ગાંધીનગર, તા.29

​લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ રાજકોટમાં એક મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ જીએસટી (CGST) ના સુપ્રીન્ટેન્ડન્ટ અને એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટને ૨૦ લાખ રૂપિયાની મસમોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જીએસટી ચોરી અને ખોટા બિલોના કેસમાં પતાવટ કરવા માટે આ લાંચ માંગવામાં આવી હતી.

​શું છે સમગ્ર મામલો ?

​આ કેસની ટૂંકમાં વિગત મુજબ, એક વેપારી વિરુદ્ધ CGST કચેરીમાં જીએસટી ન ભરવા અને ખોટા બિલો બનાવવા બાબતે અરજી થઈ હતી. આ અરજીની પતાવટ કરવા અને મોટો કેસ ન કરવાના બદલામાં CGST ડિવિઝન-૧, રેન્જ-૫ ના સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમાર (ઉ.વ. ૪૩) એ ફરિયાદી પાસે શરૂઆતમાં ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
​લાંબી રકઝક અને વાતચીતના અંતે ૨૦ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમારે આ રકમ રાજકોટના ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયા (ઉ.વ. ૩૩) ને આપી દેવા માટે જણાવ્યું હતું.

​ACB નું છટકું અને ધરપકડ

​ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે તારીખ ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષ ખાતે છટકું ગોઠવ્યું હતું.
​ટ્રેપ દરમિયાન, સુપ્રીન્ટેન્ડન્ટ વતી ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂા. ૨૦,૦૦,૦૦૦/- સ્વીકારતા જ એસીબીએ તેને દબોચી લીધા હતા. ત્યારબાદ મુખ્ય સૂત્રધાર મુકેશકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધરપકડ કરાયેલ આરોપીઓ:

​1) મુકેશકુમાર મનબોધ્ધ કુમાર – સુપ્રીન્ટેન્ડન્ટ, CGST, રાજકોટ.

​2)આકાશ રમેશભાઇ કલોલીયા – ટેક્સ કન્સલ્ટન્ટ (ખાનગી વ્યક્તિ).

Most Popular

To Top