નવાબવાડાના હસનેન એપાર્ટમેન્ટમાં રીક્ષા પાર્ક કરવા મુદ્દે ભાડૂઆત અને તેના સાગરીતોનો આતંક, ઇજાગ્રસ્ત માતા-પુત્ર SSG હોસ્પિટલમાં દાખલ
(પ્રતિનિધિ), વડોદરા. તા.30
વડોદરામાં નજીવી બાબતોમાં હિંસાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નવાબવાડા પાસેના હસનેન એપાર્ટમેન્ટમાં પાર્કિંગના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાની રિક્ષા પાર્ક કરી રહેલા 19 વર્ષીય યુવક પર પાંચ થી છ શખ્સોના ટોળાએ તૂટી પડી ઢોર માર મારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ શખ્સોએ યુવકની માતાને પણ ધક્કો મારી ઇજાઓ પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, હસનેન એપાર્ટમેન્ટમાં રહેતો જિયાન સાકીરભાઇ સિંધી (ઉં.વ. 19) રાબેતા મુજબ પોતાની રિક્ષા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી રહ્યો હતો. આ સમયે ત્યાં ભાડેથી રહેતા સુફિયાન નામના યુવકે રિક્ષા પાર્ક કરવા બાબતે તકરાર શરૂ કરી હતી. બોલાચાલી જોતજોતામાં હિંસક બની ગઈ હતી. સુફિયાને તુરંત જ અન્ય 5-6 અજાણ્યા યુવકોને બોલાવી લીધા હતા અને જિયાન પર લાકડીઓ તથા પટ્ટા વડે હુમલો કરી દીધો હતો.
પુત્ર પર હુમલો થઈ રહ્યો હોવાની જાણ થતા જિયાનની માતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. હુમલાખોરોએ જિયાનની માતા સાથે પણ અભદ્ર વર્તન કરી, તેમને લાફા મારી હાથચાલાકી કરી હતી અને ધક્કો મારીને ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં જિયાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.
હોસ્પિટલના બિછાનેથી જિયાન અને તેની માતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હુમલો કરનાર સુફિયાન અને તેની સાથે આવેલા યુવકો નશાના આદિ છે. જ્યારે આ ઘટના બની ત્યારે પણ તેઓ નશાની હાલતમાં જ હતા. કોઈ પણ કારણ વગર તેમણે જીવલેણ હુમલો કર્યો છે.
ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. મામલો બિચકતા તાત્કાલિક કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફરજ પરના પોલીસ અધિકારીઓએ ઈજાગ્રસ્ત જિયાનની ગંભીર હાલત જોઈ તેને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડ્યો હતો.
હાલમાં કારેલીબાગ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલા આ હુમલાએ સ્થાનિક રહીશોમાં રોષ અને ફફડાટ ફેલાવ્યો છે.