પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને આપી ઝેર પી લેવાની ધમકી, ઓફિસના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન
આરોપીના પરિવારજનોએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગાળો અને બૂમાબૂમ કરી સર્જી તંગદિલી
(પ્રતિનિધિ) વડોદરા, તા.29
વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકનું અપહરણ કરી તેને નિર્વસ્ત્ર કરીને માર મારવાના અને વીડિયો બનાવવાના ગંભીર કેસમાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. કેસની તપાસ અંતર્ગત પૂછપરછ માટે અટલાદરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલા આરોપીઓ અને તેમના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જ ભારે હોબાળો મચાવી પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ દરમિયાન એક આરોપીએ પોલીસકર્મી પર હુમલો કરી સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, થોડા દિવસો અગાઉ મોબાઇલ ફોન પરત માંગવાની સામાન્ય બાબતને લઈ છ શખ્સોએ મળીને 20 વર્ષીય યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને હરણી વિસ્તારના એક ફાર્મહાઉસમાં લઈ જઈ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેને નિર્વસ્ત્ર કરી તેનો વીડિયો બનાવ્યાનો પણ આરોપ છે. આ મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, અપહરણ અને મારપીટ સહિતના ગુનાઓ નોંધાયા હતા.
કેસની તપાસ દરમિયાન પોલીસે પ્રતિક અવરેન્દ્ર સિંહ, મનોજ બ્રિજલાલ યાદવ, નીલેશ ઉર્ફે નીલ સહાની અને તરુણ રાજુભાઈ યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા જણાવ્યું હતું. ચારેય આરોપીઓને ક્રાઇમ ઓફિસમાં બેસાડી પૂછપરછ ચાલી રહી હતી ત્યારે રાત્રિના સમયે તેમના પરિવારના કેટલાક સભ્યો પણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, બે મહિલાઓ સહિત પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જોરદાર બૂમાબૂમ અને ગાળો બોલી હોબાળો મચાવ્યો હતો. સાથે જ આરોપીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસની સરકારી કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.
પરિસ્થિતિ વધુ તંગ બનતાં આરોપી પ્રતિક અવરેન્દ્ર સિંહે ફરજ પરના પોલીસકર્મીને ડાબા ખભાના ભાગે મુક્કો મારી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેણે ક્રાઇમ ઓફિસની કાચની બારી પર પણ મુક્કો મારી કાચ તોડી નાખ્યો હતો. ઘટનામાં સરકારી મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું પોલીસે નોંધ્યું છે.
હંગામા દરમિયાન આરોપીએ “હું ઝેર પી જઈશ અને પોલીસને ફસાવી દઈશ” તેવી ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ અટલાદરા પોલીસે આરોપીઓ અને તેમના પરિવારજનો સામે સરકારી કામગીરીમાં અડચણ, પોલીસકર્મી પર હુમલો, ધમકી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતના ગુનાઓ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.