વૈશ્વિક સ્તરે બદલાતી પરિસ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના વિવિધ મહત્વપૂર્ણ મંત્રાલયોના સચિવો હાજર રહેશે. બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક પડકારો સામે ભારતની તૈયારી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં ખાસ કરીને નાણાં મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. સરકારનું મુખ્ય ધ્યાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને સ્થિર અને મજબૂત રાખવા તેમજ વિકાસની ગતિ જાળવી રાખવા પર રહેશે. સાથે જ રોકાણ, ઉદ્યોગ, વેપાર અને આર્થિક સુધારાઓને વધુ વેગ આપવા માટેના પગલાં પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
માહિતી અનુસાર, ઈરાન-અમેરિકા સંઘર્ષ બાદ ઉભી થયેલી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સચિવોના 7 અલગ-અલગ જૂથો બનાવ્યા હતા. આ દરેક સમૂહને અલગ-અલગ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરીને સરકારને ભલામણો રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે આ તમામ જૂથોની ભલામણો પર વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આર્થિક સુધારાઓના સૂચનો અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયેલા રોડમેપ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકારનો પ્રયાસ રહેશે કે વૈશ્વિક પડકારોની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર ઓછામાં ઓછી પડે અને વિકાસના વિવિધ ક્ષેત્રોમાં ગતિ જળવાઈ રહે.
આ ઉપરાંત બેઠકમાં વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની વ્યૂહાત્મક તૈયારીઓ, સપ્લાય ચેઇન, રોકાણનું વાતાવરણ, ઉત્પાદન ક્ષમતા અને લાંબા ગાળાના આર્થિક વિકાસ માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા થઈ શકે છે. સરકારનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થતા પડકારો વચ્ચે સમયસર આયોજન અને નીતિગત નિર્ણયો દ્વારા દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય છે. આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયો આગામી સમયમાં સરકારની આર્થિક નીતિઓ અને વિકાસ યોજનાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.