SURAT

રિકન્સ્ટ્રક્શન વખતે મહિલાઓનો રોષ ફાટ્યો, આરોપી પર ટપલીદાવ રમાયો

સુરતના અમરોલી વિસ્તારમાં એક ચોંકાવનારી અને ગુસ્સો ઉભો કરાવતી ઘટના સામે આવી છે, જ્યાં 11 વર્ષની નિર્દોષ બાળકી સાથે દુકાનદારે અયોગ્ય હરકત કરી હોવાનો આરોપ છે. માહિતી મુજબ, સૃષ્ટિ રો-હાઉસ નજીક સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આવેલી “શ્રીજી લાઈવ આલુપુરી” દુકાન પર બાળકી આલુપુરી લેવા ગઈ હતી. તે સમયે દુકાનમાં કોઈ અન્ય ગ્રાહક હાજર ન હતો, જેને જોઈ દુકાનદાર દિનેશ જીવરાજભાઈ રામાણીએ તકનો લાભ લીધો.

આરોપીએ બાળકી સાથે ઓળખાણભર્યું વર્તન કરી ‘અહીં બેસ’ કહી અંદર બેસાડીને, ‘તારા વાળ સરખા કરી આપું’ કહી નજીક બોલાવી હતી. પરંતુ આ બહાને તેણે બાળકી સાથે અયોગ્ય રીતે છેડછાડ કરી પોતાની વિકૃત માનસિકતા દર્શાવી. ડરી ગયેલી બાળકી તાત્કાલિક ત્યાંથી ભાગી છૂટી અને ઘરે જઈ પરિવારને સમગ્ર ઘટના કહી. પરિવારે વિલંબ કર્યા વગર અમરોલી પોલીસનો સંપર્ક કર્યો, જ્યાં પોલીસે ગંભીરતા સમજી તરત જ આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી , ધરપકડ કરી. ગણતરીના કલાકોમાં જ પોલીસે કાર્યવાહી કરતા આરોપી કાયદાના હાથમાં આવી ગયો.

પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ખાસ કરીને મહિલાઓએ ગુસ્સે ભરાઈ આરોપીને ટપલી દાવ કરી માર માર્યો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસની હાજરી વચ્ચે આ ઘટનાએ લોકોના ઉગ્ર પ્રતિક્રિયાનો અહેવાલ આપ્યો છે.આ બનાવે શહેરમાં સુરક્ષા અને બાળ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, અને સમાજમાં આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top