Vadodara

‘બે મહિના’નો વાયદો ‘ત્રણ મહિના’એ પણ અધૂરો, પ્રિયલક્ષ્મી ગરનાળું ન ખુલતા રહીશોનો હલ્લાબોલ

આંદોલનનું એંધાણ: અધિકારીઓની ધક્કાશાહીથી કંટાળેલા રહીશોની ચીમકી “હવે રસ્તો નહીં મળે તો ઉગ્ર વિરોધ થશે”

વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં આવેલું ગરનાળું છેલ્લા બે મહિનાથી વધુ સમયથી બંધ હોવાને કારણે સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. રેલવે તંત્ર દ્વારા માત્ર બે મહિના માટે સમારકામ અર્થે ગરનાળું બંધ રાખવાની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમય મર્યાદા વીતી જવા છતાં હજુ સુધી ગરનાળું લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી. આ સમસ્યાના ઉકેલ માટે આજે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો, મહિલાઓ અને વડીલો એલએન્ડટી ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
​સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ગરનાળું બંધ હોવાથી વિસ્તારમાં શાકભાજી કે ફળોની લારીઓ આવી શકતી નથી. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે લોકોને લાંબો ફેરો કરીને જવું પડે છે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ અને શાળાએ જતા બાળકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. ગરનાળું બંધ હોવાથી લોકોએ રેલવે ટ્રેક ઓળંગીને અથવા પંડ્યા બ્રિજ જેવો લાંબો રૂટ લઈને અવરજવર કરવી પડે છે, જે જીવના જોખમ સમાન અને થકવી નાખનારું સાબિત થઈ રહ્યું છે.
​રજૂઆત કરવા પહોંચેલા રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તેઓ રજૂઆત કરવા જાય છે ત્યારે અધિકારીઓ તેમને એક ઓફિસથી બીજી ઓફિસ ધક્કા ખવડાવે છે. રહીશોએ જણાવ્યું કે, “અમને કહેવામાં આવ્યું હતું કે બે મહિનામાં કામ પૂર્ણ થઈ જશે, પરંતુ ત્રણ મહિના થવા આવ્યા છતાં પરિસ્થિતિ જસની તસ છે. જો આગામી દિવસોમાં ગરનાળું ખોલવામાં નહીં આવે અને અમારો રસ્તો સરળ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.”
​મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, મોંઘવારીના જમાનામાં રિક્ષા ભાડું ખર્ચીને લાંબો ફેરો કરવો પરવડે તેમ નથી. વળી, ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જો આ ગરનાળું કાર્યરત નહીં થાય તો વિસ્તારમાં પાણી ભરાવાની અને અવરજવર સંપૂર્ણ બંધ થઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હાલમાં સ્થાનિકો દ્વારા વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top