બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાન માત્ર પોતાની અભિનય ક્ષમતાથી જ નહીં, પરંતુ પોતાના જીવનપ્રત્યેના વિચારોથી પણ લાખો લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી ગયા હતા. તેમની બીમારી દરમિયાન લખેલી એક ભાવુક ચિઠ્ઠી આજે પણ વાંચનારને અંદરથી ઝંઝોડીને મૂકે છે.
ઇરફાન ખાને પોતાની દુર્લભ ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર સામેની લડત દરમિયાન લખેલી ચિઠ્ઠીમાં પોતાના દુખ, ડર, આશા અને જીવન વિશેની ઊંડી સમજ વ્યક્ત કરી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે એક સમયે એવો અનુભવ થયો કે આખું બ્રહ્માંડ એક તરફ છે અને બીજી તરફ માત્ર “દર્દ” જ છે અને તે ક્ષણે તેમને લાગ્યું કે દર્દ ભગવાન કરતાં પણ મોટું લાગે છે.
અચાનક જીવન બદલાઈ ગયું
ઇરફાન ખાને જણાવ્યું હતું કે તેઓ પોતાના સપનાઓ અને યોજનાઓ સાથે જીવનના માર્ગ પર આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક બીમારીના સમાચાર મળ્યા. તેમણે આ સ્થિતિને એવી રીતે વર્ણવી હતી કે જાણે ઝડપથી દોડતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક કોઈ કહી દે કે તમારું સ્ટેશન આવી ગયું છે. તેમણે સ્વીકાર્યું હતું કે આ સમાચારથી શરૂઆતમાં તેઓ ગભરાઈ ગયા, પરંતુ ધીમે ધીમે તેમણે જીવનને નવી દ્રષ્ટિએ જોવાનું શરૂ કર્યું.
હોસ્પિટલમાં દર્દ સાથેનો સામનો
ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થતાં સમયે તેઓ ખૂબ થાકી ગયેલા અને નિર્બળ અનુભવતા હતા. એ સમયે તેમને સમજાયું કે જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર ઘણીવાર ખૂબ નાનું હોય છે. તેમણે લખ્યું કે: એક સમયે માત્ર દર્દ જ અનુભવાતું હતું કોઈ સાંત્વના કે પ્રેરણા કામ કરતી નહોતી.
આ શબ્દો આજે પણ ચાહકોને ભાવુક બનાવી દે છે., પ્રાર્થનાઓથી મળતી શક્તિ
ઇરફાન ખાને પોતાના ચાહકો અને શુભેચ્છકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયાભરમાંથી મળતી પ્રાર્થનાઓ તેમને નવી શક્તિ આપતી હતી.તેમણે લખ્યું કે: લોકોની પ્રાર્થનાઓ એક મોટી શક્તિ બનીને મારી અંદર પ્રવેશી અને મને આગળ વધવાની હિંમત આપી.
જીવન વિશે નવી સમજ
બીમારી દરમિયાન ઇરફાન ખાને જીવનને એક નવી રીતે સમજ્યું. તેમણે સ્વીકાર્યું કે જીવનમાં સૌથી મોટું સત્ય અનિશ્ચિતતા છે, અને તેને સ્વીકારી લેવાથી અંદરથી શાંતિ મળે છે. તેમણે લખ્યું હતું કે આ અનુભવ પછી તેમને જીવનનો “સાચો સ્વાદ” પહેલી વાર મળ્યો.
2020માં દુનિયાને કહ્યું અલવિદા
ઇરફાન ખાન વર્ષ 2018થી દુર્લભ પ્રકારના કેન્સર સામે લડી રહ્યા હતા અને લાંબા સારવાર બાદ 29 એપ્રિલ 2020ના રોજ 53 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. છતાં તેમની ફિલ્મો, વિચારધારા અને લખેલા શબ્દો આજે પણ લોકોના દિલમાં જીવંત છે.
‘હું દર્દની પકડમાં છું…’ ઇરફાન ખાનની ભાવુક ચિઠ્ઠી આજે પણ ચાહકોની આંખ ભીની કરે છે.