ભારતની એક સમયની સૌથી મોટી એડટેક કંપની BYJU’Sના સ્થાપક બાયજુ રવિન્દ્રન માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. સિંગાપુરની એક અદાલતે તેમને કોર્ટના આદેશોની અવગણના (Contempt of Court) કરવા બદલ 6 મહિનાની જેલની સજા ફટકારી છે. આ નિર્ણય કંપની સામે ચાલી રહેલા અનેક આંતરરાષ્ટ્રીય કાનૂની વિવાદો વચ્ચે આવ્યો છે અને BYJU’Sના સંકટને વધુ ગંભીર બનાવે છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સિંગાપુર કોર્ટમાં ચાલી રહેલા એક કેસ દરમિયાન બાયજુ રવિન્દ્રન પર આરોપ હતો કે તેમણે પોતાની સંપત્તિ અને નાણાકીય માહિતી સંબંધિત કોર્ટના અનેક આદેશોનું પાલન કર્યું નહોતું. કોર્ટનું માનવું હતું કે એપ્રિલ 2024થી આપવામાં આવેલા વિવિધ આદેશોની વારંવાર અવગણના કરવામાં આવી હતી, જેના કારણે અદાલતે તેમને કોર્ટની અવમાનનાનો દોષી ઠેરવ્યા હતા. સિંગાપુર કોર્ટે માત્ર જેલની સજા જ નહીં પરંતુ તેમને સંબંધિત ખર્ચ પણ ચૂકવવાનો આદેશ આપ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કોર્ટના આદેશ અનુસાર રવિન્દ્રનને સત્તાવાળાઓ સમક્ષ હાજર થવાનું પણ કહેવામાં આવ્યું છે.
એક સમયની 22 અબજ ડોલરની કંપની આજે સંકટમાં
BYJU’S એક સમયે ભારતનું સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ ગણાતું હતું. કંપનીનું મૂલ્યાંકન આશરે 22 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું અને તેણે વિશ્વભરમાં અનેક કંપનીઓનું અધિગ્રહણ કર્યું હતું. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં કંપની પર ભારે દેવું, નાણાકીય અનિયમિતતાઓના આરોપો, રોકાણકારો સાથેના વિવાદો અને કર્મચારીઓની છટણી જેવા ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
કંપની સામે અમેરિકન ધિરાણદાતાઓ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. BYJU’S પર લગભગ 1.2 અબજ ડોલરની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાના આરોપો લાગ્યા હતા. ત્યારબાદ વિવિધ દેશોમાં કોર્ટ કેસો શરૂ થયા હતા.
અમેરિકામાં પણ કાનૂની મુશ્કેલીઓ
બાયજુ રવિન્દ્રનને અગાઉ અમેરિકાની ડેલાવેર બેન્કરપ્સી કોર્ટમાં પણ કોર્ટના આદેશોનું પાલન ન કરવા બદલ અવમાનનાના કેસનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકન કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી અને આર્થિક દંડના આદેશો પણ આપવામાં આવ્યા હતા.અમેરિકન ધિરાણદાતાઓએ આરોપ લગાવ્યો હતો કે કંપનીની લોનમાંથી કરોડો ડોલરની રકમ શંકાસ્પદ રીતે અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ મુદ્દે પણ અનેક કોર્ટ કેસો અને તપાસો ચાલી રહી છે.
સમાધાનની આશા વચ્ચે આવ્યો આ નિર્ણય
સિંગાપુર કોર્ટના આ નિર્ણય બાદ બાયજુ રવિન્દ્રને દાવો કર્યો છે કે કંપની અને મુખ્ય ધિરાણદાતાઓ વચ્ચે સમાધાન માટેની ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે. તેમના જણાવ્યા અનુસાર કેટલાક મોટા રોકાણકારો અને ધિરાણદાતાઓ સાથે સિદ્ધાંતતઃ સમજૂતી થઈ ગઈ છે. જોકે કોર્ટનો આ નિર્ણય તેમના માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
BYJU’Sના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
એક સમયના સ્ટાર્ટઅપ જગતના “પોસ્ટર બોય” ગણાતા બાયજુ રવિન્દ્રન આજે અનેક દેશોમાં કાનૂની લડાઈઓ લડી રહ્યા છે. સિંગાપુર કોર્ટ દ્વારા ફટકારાયેલી 6 મહિનાની જેલની સજા માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ BYJU’S બ્રાન્ડ માટે પણ મોટો આઘાત માનવામાં આવી રહી છે. રોકાણકારો, કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે કંપનીના ભવિષ્ય અંગે ફરીથી ચર્ચાઓ તેજ બની છે.