ઝાલોદ તાલુકાના સરહદી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ પરેશાન
દૂષિત પાણી અને ખરાબ રસ્તાઓથી વધતી મુશ્કેલી વચ્ચે તંત્ર સામે ગ્રામજનોમાં રોષ
ગુજરાત મિત્ર ન્યુઝ , ઝાલોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલ ગરાડુ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની અછત વધુ વકરતા લોકોમાં તંત્ર અને સરકાર સામે ભારે રોષ ફેલાયો છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામના કેટલાક કૂવાઓમાં લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતાં લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. જેના કારણે આરોગ્ય સંબંધિત બીમારીઓ ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ કૂવા સુધી પહોંચવાના રસ્તાઓ કાચા અને બિસ્માર હાલતમાં હોવાથી મહિલાઓ અને બાળકોને પાણી લેવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હાલની સ્થિતિમાં પીવાનું પાણી ગામલોકો માટે સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે.
હાલ ગામલોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ કૂવા અને હેન્ડપંપની સફાઈ સાથે રસ્તાની વ્યવસ્થા સુધારવામાં આવે જેથી લોકોને આ મુશ્કેલીમાંથી વહેલી તકે રાહત મળી શકે.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ , ઝાલોદ