World

અમેરિકાથી ડિપોર્ટ થયા, અને થોડા જ કલાકોમાં વિનાશ! ભૂકંપથી હોટલ ધરાશાયી, 100થી વધુ વેનેઝુએલાના નાગરિકો ગુમ

વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ડબલ ભૂકંપ બાદ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમેરિકાથી ડિપોર્ટ કરીને પરત મોકલવામાં આવેલા વેનેઝુએલાના નાગરિકોને સરકાર દ્વારા એક હોટલમાં અસ્થાયી રીતે રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમની વતનમાં વાપસીના ગણતરીના કલાકોમાં જ આવેલા શક્તિશાળી ભૂકંપે હોટલને ધરાશાયી કરી દીધી. દુર્ઘટનામાં 100થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે. બચાવ કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ અનેક પરિવારો હજુ પણ પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકાના માયામીથી એક ડિપોર્ટેશન ફ્લાઇટ દ્વારા કુલ 146 વેનેઝુએલાના નાગરિકોને તેમના દેશમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોમાં 19 મહિલાઓ અને 7 બાળકો પણ સામેલ હતા. વેનેઝુએલા પહોંચ્યા બાદ તેમને લા ગુઆઈરા વિસ્તારમાં આવેલી હોટેલ સાન્તુઆરિયો લા લાનાડામાં તાત્કાલિક રોકવામાં આવ્યા હતા. સરકાર દ્વારા તેમની આરોગ્ય તપાસ અને ઓળખ સંબંધિત કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બીજા દિવસે ઘરે મોકલવાની તૈયારી હતી. પરંતુ તે પહેલાં જ કુદરતે ભયાનક તાંડવ મચાવ્યું.

થોડા જ કલાકોમાં ઉત્તર વેનેઝુએલામાં અનુક્રમે 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. સૌથી વધુ અસર લા ગુઆઈરા અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી. અનેક રહેણાંક ઈમારતો, હોસ્પિટલો, રસ્તાઓ અને હોટલો પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ. ડિપોર્ટ કરાયેલા નાગરિકોને રાખવામાં આવેલી હોટલ પણ સંપૂર્ણ રીતે તૂટી પડી. દુર્ઘટનામાંથી બચી ગયેલી લિસબેથ પોર્ટિલોએ જણાવ્યું કે તે બીજા માળે અન્ય મહિલાઓ સાથે રૂમમાં હતી. અચાનક જોરદાર ધ્રુજારી અનુભવાઈ અને થોડા જ સેકન્ડોમાં આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. ભારે કાટમાળ વચ્ચે દટાઈ જવા છતાં તે બહાર નીકળવામાં સફળ રહી.

લગભગ 20 જેટલા અન્ય લોકો સાથે તે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મદદ શોધવા નીકળી. રસ્તામાં ચારેબાજુ ચીસો, ધૂળ અને વિનાશ જ જોવા મળ્યો. આખરે તેઓ નેશનલ ગાર્ડના કેમ્પ સુધી પહોંચ્યા અને પરિવારજનોનો સંપર્ક કરી શક્યા. પોર્ટિલોએ જણાવ્યું કે તે જીવનમાં બીજીવાર જન્મી હોય તેવી લાગણી અનુભવે છે, પરંતુ આ ઘટનાનો આઘાત હજુ પણ ભૂલી શકતી નથી.આ દુર્ઘટના બાદ હોટલમાં રહેલા 100થી વધુ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે. ઘણા પરિવારોને હજુ સુધી પોતાના સગાસંબંધીઓ વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કેટલાક બચી ગયા હોવાના સમાચાર મળ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિવારજનોનો આક્ષેપ છે કે ડિપોર્ટ કરાયેલા લોકોના મોબાઇલ ફોન અને ઓળખપત્રો સરકારની એજન્સીઓએ જમા કરાવી લીધા હતા, જેના કારણે દુર્ઘટના બાદ તેમની ઓળખ કરવામાં અને પરિવાર સુધી માહિતી પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ. ઘણા પરિવારોએ સરકાર પર પારદર્શક માહિતી ન આપવાનો પણ આરોપ લગાવ્યો છે.જો કે બચાવ કામગીરીમાં સ્થાનિક ટીમો ઉપરાંત અનેક દેશોની રેસ્ક્યુ ટીમો પણ જોડાઈ છે. ભારે મશીનરી, સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોની મદદથી કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. જોકે વારંવાર આવતા આફ્ટરશોક્સને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

વેનેઝુએલાના સત્તાવાર આંકડા મુજબ ભૂકંપમાં 1,700થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક વિસ્તારોમાં વીજળી, પાણી અને સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે અને હજારો પરિવારોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાએ અમેરિકાની ડિપોર્ટેશન નીતિ પર પણ ચર્ચા જગાવી છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા વિના મોટી સંખ્યામાં લોકોને એક જ ઈમારતમાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે જાનહાનિ વધુ થઈ. જોકે અમેરિકી સત્તાવાળાઓએ આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

બીજી તરફ, વેનેઝુએલામાં સરકારની રાહત કામગીરીને લઈને પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓએ બચાવ કામગીરી ધીમી હોવાનો આરોપ લગાવ્યો છે. અનેક સ્થળોએ લોકો પોતે જ કાટમાળ ખોદીને પોતાના સ્વજનોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મદદ પહોંચવા છતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.વિશ્વભરના અનેક દેશો અને માનવતાવાદી સંસ્થાઓએ વેનેઝુએલાને રાહત સામગ્રી, તબીબી સહાય અને બચાવ ટીમો મોકલી છે. તેમ છતાં હજારો લોકો હજુ પણ ગુમ હોવાનું માનવામાં આવે છે અને મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકાથી વતનમાં પરત ફરેલા લોકો માટે આ સફર નવી શરૂઆત બનવાની હતી, પરંતુ થોડા જ કલાકોમાં કુદરતી આફતે તેમના જીવનને વિનાશમાં ફેરવી દીધું. અનેક પરિવારો હજુ પણ પોતાના પ્રિયજનોના જીવિત હોવાની આશા સાથે રાહ જોઈ રહ્યા છે, જ્યારે સમગ્ર વેનેઝુએલા આ ભયાનક દુર્ઘટનામાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

Most Popular

To Top