સંસદીય ગ્રાન્ટથી સુરત મહાનગર પાલિકાને નવી સુવિધાઓ, આરોગ્ય અને જાહેર સેવાઓને મળશે વધુ વેગ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી વિઝનને સાકાર કરવા માટે સુરત શહેર સતત સ્માર્ટ સિટી તરીકે આગળ વધી રહ્યું છે. સુરત શહેરના નાગરિકોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સુરત મહાનગર પાલિકાને સંસદીય ગ્રાન્ટ હેઠળ આશરે ₹1.57 કરોડના ખર્ચે નવા વાહનોની ભેટ આપવામાં આવી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરત ના પૂર્વ સાંસદ દર્શના જરદોષ ના ગ્રાન્ટ માંથી આ વાહનોના લોકાર્પણ સાથે શહેરની આરોગ્ય, ફાયર અને જાહેર સેવા તેમજ વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સુરતના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશ, સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, ચૂંટાયેલા કોર્પોરેટરો, ભાજપના આગેવાનો તેમજ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
4 અત્યાધુનિક શબ વાહિની અને 1 વેક્સિન વાનનો સમાવેશ કરાયો છે,
સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવા વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ ચાર અત્યાધુનિક શબવાહિનીઓ સામેલ છે. દરેક શવવાહિનીની કિંમત અંદાજે ₹31.50 લાખ છે. આ વાહનો દ્વારા મૃતદેહના પરિવહનની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને સન્માનજનક રીતે કરી શકાશે.તે ઉપરાંત આરોગ્ય વિભાગને એક આધુનિક વેક્સિન વાન પણ ફાળવવામાં આવી છે, જેની કિંમત અંદાજે ₹27 લાખ છે. આ વાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે અને વેક્સિનના સંગ્રહ તથા પરિવહનમાં ગુણવત્તા જળવાઈ રહેશે.
વિવિધ વિભાગોને કરાયા હેન્ડઓવર
કાર્યક્રમ દરમિયાન આ નવા વાહનોને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને સ્ટોર વિભાગને સત્તાવાર રીતે હેન્ડઓવર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી સુવિધાઓના કારણે વિભાગોની કામગીરી વધુ ઝડપી, અસરકારક અને જનકેન્દ્રિત બનશે.વિકાસના નવા માપદંડ તરફ સુરત પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સતત નવી સુવિધાઓ ઉમેરાઈ રહી છે. આરોગ્ય, સફાઈ, ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
જનતાને સહકારની અપીલ
કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં આગેવાનોએ જણાવ્યું હતું કે લોકહિતના કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવી આનંદની બાબત છે, પરંતુ આ સુવિધાઓની જાળવણી અને સંરક્ષણમાં નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે.
તેમણે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને આવનારા સમયમાં પણ સુરતના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. સાથે જ શહેરવાસીઓને આ જાહેર સુવિધાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
સુરતના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું
₹1.57 કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ નવી સુવિધાઓ સુરત મહાનગર પાલિકાની જાહેર સેવા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓમાં તેનો સીધો લાભ શહેરના લાખો નાગરિકોને મળશે. સ્માર્ટ સિટી સુરત હવે વધુ સુવ્યવસ્થિત, આધુનિક અને નાગરિક કેન્દ્રિત સેવાઓ તરફ એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે.