SURAT

મહિધરપુરા ગોળશેરીમાં હીટ ડાયમંડ જ્વેલર્સના કારીગરે 4 વેપારી પાસેથી ઘરેણાં બનાવવા સોનું લઈને ફરાર

સુરત: શહેરના અડાજણ ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો (Diamond) વેપાર કરતા વેપારી સહિત 4 વેપારી પાસેથી ઘરેણાં બનાવવા માટે સોનું (Gold) લઈ જનાર કારીગરે લાખો રૂપિયાનું સોનું મેળવી પરત નહીં આપી પોતે ફરાર થઈ ગયો છે. હીરા વેપારીએ તેની સાથે 46.79 લાખની છેતરપિંડી (Fraud) થયાની ફરિયાદ નોંધાવી છે. આ આંકડો વધવાની શક્યતા છે.

અડાજણ ખાતે પ્રાઈમ આર્કેડ પાસે રહેતા 38 વર્ષીય આનંદભાઈ બાબુલાલ મુણોત મહિધરપુરા ખાતે નાગર શેરીમાં એ.કે.વી.જે. નામથી હીરાનો વેપાર કરે છે. તેમના દ્વારા મહિધરપુરા ગોળશેરીમાં હીટ ડાયમંડ જ્વેલર્સના માલિક હેમંતો વાસુદેવ દાસની સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આનંદભાઈના પિતા પણ હીરાનો વેપાર કરતા હતા ત્યારે આ હેમંતોને જ્વેલરી બનાવવા માટે આપતા હતા. ચારેક મહિના પહેલાં બાબુલાલભાઈએ 24 કેરેટ શુદ્ધ 350 ગ્રામ સોનું પરિવારનાં ઘરેણાં બનાવવા માટે આપ્યાં હતાં. ગત દિવાળી પહેલાં આનંદભાઈએ તેમનું 40 ગ્રામનું બ્રેસલેટ પણ રિપેરિંગ માટે આપ્યું હતું. આઠેક મહિના પહેલાં આનંદભાઈની માતાએ 40 ગ્રામ સોનું નેકલેસમાં લગાડવા માટે 55 કેરેટ પ્રિન્સેસ લૂસ ડાયમંડ પણ આ હેમંતોને આપ્યા હતા. ત્યારપછી હેમંતો થોડું સોનું ખરીદવા માટે રોકડા 2.30 લાખ લઈ ગયો હતો. હેમંતોએ સિક્યોરિટી પેટે તેનો એક ચેક આપ્યો હતો. આનંદભાઈની બહેનની સગાઈ હોવાથી 9 મેના રોજ આ હેમંતો પાસેથી બનાવવા માટે આપેલાં ઘરેણાં પરત માંગ્યાં હતાં. ત્યારે તેને કામનો લોડ વધારે હોવાથી થોડા દિવસોમાં બનાવી આપીશ તેમ કહ્યું હતું. બાદ એક દિવસ તેના દુકાને જઈને જોયું તો કારીગરો હાજર હતા, પરંતુ હેમંતો નહોતો. તેને ફોન કરતાં ફોન પણ બંધ હતો.

માર્કેટમાં અન્ય વેપારીઓની પાસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સુબોધભાઈ પદમચંદ માહનોતે ઘરેણાં બનાવવા માટે 18 કેરેટનું 29 ગ્રામ સોનું તથા 2 કેરેટના હીરા આપ્યા હતા. માર્કેટમાં ચંચલ ડાયમંડના વેપારીએ પણ 26 ગ્રામ સોનું તથા 15000 રોકડા મજૂરી પેટે એડ્વાન્સ આપ્યા હતા. શીતલ ઇમ્પે નામથી વેપાર કરતા પિંકલભાઈ શાહે પણ 18 કેરેટ સોનાની 18 જોડી બુટ્ટીઓ ડાયમંડ સાથે 47.810 ગ્રામનાં ઘરેણાં આ હેમંતોને બનાવવા માટે આપ્યા હતા. હેમંતોએ ફોન પણ બંધ કરી દેતાં તેનો સંપર્ક થઈ શક્યો નથી. અને કારખાને કે ઘરે પણ મળી આવ્યો નહોતો. જેથી તેની સામે કુલ 47.79 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Most Popular

To Top