SURAT

સુરતમાં ભેજાબાજે ATMના સોફ્ટવેરમાં કરામત કરી કેશ ઉપાડી રિફંડ પણ મેળવ્યું

સુરત : રાંદેર (Rander) વિસ્તારમાં એસબીઆઈના એટીએમમાં (SBI ATM) કેશ (Cash) ઉપાડવાના બહાને કેશ ડિસ્પેન્સરને આંગળી વડે પકડી રાખી સોફ્ટવેરમાં (Software) છેડછાડ કરી કેશ ઉપાડયા બાદ ઓનલાઇન કમ્પલેઇન (Online Complain) કરી રીફંડ (Refund) મેળવતા ભેજાબાજ વિરૂધ્ધ રાંદેર પોલીસે ફરિયાદ (Police Complaint) નોંધી હતી. રાંદેર અને મોરાભાગળના એટીએમ સેન્ટરમાં ગઇ તા. 4 ઓગસ્ટ અને 5 ઓગસ્ટના રોજ છેડછાડ કરવામાં આવી હોવાની ફરિયાદ બેંક મેનેજર દ્વારા કરવામાં આવી હતી.

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે ગેલેક્ષી એવેન્ચુરામાં રહેતા 36 વર્ષીય રાકેશ શ્રીકિશન યાદવ એસબીઆઈ રાંદેર બ્રાંચમાં મેનેજર છે. તેમના દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રાકેશ યાદવને મહિના અગાઉ એક પછી એક પાંચ ઓનલાઇન કમ્પલેઇન મળી હતી. એકાઉન્ટ ધારકે અલગ-અલગ ટ્રાન્જેક્શન થકી રૂ. 1.10 લાખ ઉપાડવા પ્રયાસ કર્યો હતો. કેશ વિડ્રોલ થઇ ન હતી. પરંતુ ડેબિટની એન્ટ્રી થઇ હતી. જેથી મેનેજરે નવયુગ કોલેજના શિવમ કોમ્પ્લેક્ષના એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. કમ્પ્લેઇન કરનાર એક જ વ્યક્તિ એટીએમમાં જઇ એટીએમ કાર્ડ એન્ટર કરી પીન નંબર નાંખ્યા બાદ કેશ ડિસ્પેન્સરમાં કેશ આવે ત્યારે આંગળી વડે પકડી રાખી તેની સાથે છેડછાડ કરી ડિસ્પેન્સરમાંથી કેશ કાઢી લીધા બાદ થોડી વાર પકડી રાખ્યા બાદ ડિસ્પેન્સર છોડી દેતો હોવાનું નજરે પડ્યું હતું. આ ટ્રીક અજમાવી તેણે 1.10 લાખ ઉપાડી લીધા હતા. રાંદેર પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

આ ટ્રીકથી મશીનમાં એરર આવે અને સેંકડોમાં રીસેટ થઈ જાય
એટીએમનું કેશ ડિસ્પેન્સર આંગળીથી પકડી રાખવાથી એટીએમના સોફ્ટવેરમાં આઇએનઆઇટી બીઆરએમ ફોર જામ ક્લિયરીંગ એરરના કારણે રૂપિયા ખાતામાંથી ડેબિટ થતા હોય છે. અને ગણતરીની સેંકડોમાં એટીએમ પ્રોગ્રામ રીસેટ થઇ જતો હોય છે. આ એરરનો લાભ લઇ ભેજાબાજે રૂ. 1.10 લાખ ઉપાડી લીધા હતા.

Most Popular

To Top