Dakshin Gujarat

ફળિયામાં સંબંધીને ત્યાં લગ્નમાં મિત્રો, પરિવાર સાથે ડીજેના તાલે ઝૂમતા યુવકનું અચાનક મોત

વલસાડ : માંડવીના (mandvi) અરેઠ ગામમાં લગ્નની (Marriage) આગલી રાતે ડીજેમાં (DJ) નાચતાં વરરાજાનું હાર્ટએટેકથી (Heart attack) મોત (Death) થયાના બીજા દિવસે વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં ગુરુવારે રાત્રે પડોશમાં સંબંધીને ત્યાં લગ્નના ડીજેમાં નાચતી વેળા અચાનક છાતીમાં દુ:ખાવો થતાં જાનૈયા યુવકનું મોત થયું હતું.

  • વલસાડ જિલ્લાના કાકડકોપર ગામ ખાતે નિશાળ ફળિયામાં સંબંધીના લગ્નમાં 29 વર્ષિય કિરણ ચૌધરી નાચતો-નાચતો મોતને ભેટ્યો
  • મોટાપોંઢામાં વસુંધરા ડેરીમાં નોકરી કરતો કિરણ પરિણીત હતો અને તેને બે સંતાનો પણ હતા
  • માંડવીના અરેઠ ગામમાં લગ્નની આગલી રાતે ડીજેમાં નાચતી વેળા વરરાજાના મોતના બીજા દિવસે આવી જ ફરી ઘટના

ઘનાની વિગતો જોઈએ તો કાકડકોપર ખાતે નિશાળ ફળિયામાં સંબંધીને ત્યાં લગ્નમાં મિત્રો, પરિવારજનો સાથે ગયેલો 29 વર્ષિય કિરણ બાપુભાઈ ચૌધરીને લગ્નમાં નાચતો હતો ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેને તાત્કાલિક 108 મારફત નાનાપોંઢા સીએચસીમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કાકડકોપરના સરપંચ ગણેશભાઈએ જણાવ્યું મોટાપોઢામાં વસુધરા ડેરીમાં નોકરી કરતો 29 વર્ષિય કિરણ ચૌધરી પરિણીત હતો, તેને બે સંતાનો હતા. જેનું અકાળે મૃતક થતાં પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

ડીજેનો મોટો અવાજ અને તેમાં છોડાતો ધુમાડો શરીર માટે હાનિકારક: તબીબ
નાનાપોઢા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.નીતલ પટેલે જણાવ્યું કે લગ્ન પ્રસંગો સહિત કાર્યક્રમોમાં મોટા અવાજે વાગતા ડીજેના અવાજ નબળા હ્રદયવાળા લોકો માટે જોખમ ઉભુ કરે છે. જેથી ડીજેથી દૂર ઉભુ રહેવું જોઈએ, સાથે છોડવામાં આવતા કલરફૂલ સ્મોક (ધુમાડો) પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સમોકને લઈ કાર્બન મોનોકસાઇડ અને કાર્બન ડાયોક્સાઈડ શરીરમાં જતા જોખમ ઉભુ કરે છે. બે દિવસ અગાઉ જ વાજવડ ગામથી પણ એક યુવાનને બેભાન અવસ્થામાં લવાયો હતો. જોકે સમયસર લવાતા અને સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.

Most Popular

To Top