Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિકસાવેલ આદર્શ ગામનો આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) આસપાસના નર્મદા ડેમ (Narmada Dem)ના 6 અસરગ્રસ્ત ગામો ગોરા ગામ (Gora village) નજીકના હોવાથી સરકારે એ ગ્રામજનો માટે ગોરા ગામમાં આદર્શ ગ્રામ યોજના (aadars gram yojana) અમલમાં મૂકી હતી. ગરુડેશ્વર તાલુકાના ગોરા કોલોની પાસે આદર્શ નગરના નિર્માણમાં 400 મકાન બનાવવામાં આવ્યાં છે. ત્યારે આદિવાસીઓ (Tribal)ના અનેક વિરોધ વચ્ચે નર્મદા નિગમના અધિકારીઓ સ્થાનિક આગેવાનોને સમજાવવામાં સફળ થયા અને વાગડિયા ગામના અમુક લોકો ગોરા આદર્શ ગામમાં રહેવા પણ જતા રહ્યા હતા.

તો બીજી બાજુ વાગડિયા ગામમાં આદિવાસીઓએ આનો વિરોધ નોંધાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડિયા ગામના સરપંચ સહિત અન્ય ગ્રામજનોએ ટીડીઓને ગોરા આદર્શ ગ્રામનો વાગડીયાના 95% ગ્રામજનો વિરોધ કરી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. વાગડિયા ગ્રામજનો વતી સરપંચે જણાવ્યું હતું કે, સરકાર જળ-જગંલ જમીન છીનવીને આદિવાસી પ્રજા વિરુદ્ધ જે નિર્ણય કરી રહી છે. જેથી સમસ્ત ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. કેવડિયાની આસપાસનાં 6 ગામો પૈકીનું વાગડિયા ગામની જમીન 1961-62 માં 100% સંપાદન કરવામાં આવી છે તેવો સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દાવો કરે છે. પરંતુ આ જમીન સંપાદન કરવાની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવી? ક્યારે પૂર્ણ કરવામાં આવી? તથા જમીન માલિકોને તેનુ વળતર ક્યારે ચૂકવવામાં આવ્યું? એવી વાગડિયા ગામના ગ્રામજનો વતી આર.ટી.આઈ. હેઠળની માહિતી પણ અપાઈ નથી. આ બાબતે અમે મનસુખ વસાવાને પણ ફરિયાદ કરી હતી એનો પણ અમને જવાબ મળ્યો નથી. નર્મદા નિગમ દ્વારા રજૂ કરાયેલું પેકેજ સ્વીકારવાની સંમતિ આપવામાં આવશે તો જ રોજગારી પૂરી પાડવામાં આવશે એવું અધિકારીઓ અમને જણાવે છે. જે કુટુંબોએ પેકેજની સંમતિ આપી નથી તેવા મૂળ ખાતેદારોના વારસદારો રોજગારીથી વંચિત છે.

સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી છ ગામના લોકો માટે ગોરા ગામ પાસે આદર્શ નગરમાં 125 ચો.મી.ના પ્લોટમાં મકાનનું બાંધકામ કરાયું છે, જેમાં એક મકાનમાં બે ભાગ પાડીને બે પરિવારોનો સમાવેશ કરવામાં આવે છે.તેમજ પશુઓ બાંધવાની તથા ચરાવવાની કોઈ સુવિધા ઊભી કરવામાં આવેલ નથી.આદિવાસી સમાજ પ્રકૃતિ તથા પશુપાલન સાથે સંકળાયેલ હોય, જેથી આદર્શ નગરમાં જવા માટે સહમત નથી.હમણા હાલમાં વાગડિયા ગામ માંથી એક જ ખાતેદારના પરિવાર કે જેઓ પશુપાલન સાથે સંકળાયેલા નથી એમણે જ આ પેકેજ સ્વીકાર્યું છે.

બાકી વાગડિયાના 95 % આદિવાસી પરિવારો આજે પણ આદર્શ નગરમાં જવા સહમત નથી અને જ્યાં સુધી આદિવાસીઓની જમીન સંપાદન કર્યાના પુરાવા રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતાની વડીલોપાર્જિત જમીનો પરનો કબજો અમે છોડશું નહીં.

Most Popular

To Top