SURAT

સુરતમાં પોલીસ-આરોપી અથડામણ

સગીર યુવકની ચપ્પુ મારી હત્યા કેસમાં,પોલીસ ફાયરિંગ બાદ આરોપી ઘાયલ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સગીર યુવકની નિર્મમ હત્યાના કેસમાં પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ સર્જાતા પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા. ૧૦ મે ૨૦૨૬ના રોજ રાત્રે લગભગ ૯:૦૦ થી ૯:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન અનુરાગ ઉર્ફે રાજ જગદીશ પવાર (ઉંમર આશરે ૧૭ વર્ષ ૧૧ માસ), રહેતા આસ્તિકનગર-૦૩, ગોડાદરા, સુરત, પોતાના કામના સંદર્ભે ગોપાલ રાઠી નામના વ્યક્તિ સાથે મોટરસાયકલ પર મોબાઇલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો.
તે દરમિયાન લિંબાયત જુનાકંઠી મહારાજ મંદિરથી રામ મંદિર ચાર રસ્તા તરફ જતા મેઈન રોડ પર ગણેશનગર વિસ્તારમાં આવેલી રાજ જનરલ સ્ટોર પાસે બંને યુવકો મોટરસાયકલ ઉભી રાખી હતી. ત્યારે ત્યાં રહેતો રાહુલ જોગી અચાનક ત્યાં આવી પહોંચ્યો, કોઈ અંગત કારણસર થયેલા બોલાચાલી બાદ રાહુલ જોગીએ અનુરાગ સાથે ગાળાગાળી શરૂ કરી હતી.

વિવાદ ઉગ્ર બનતા રાહુલ જોગીએ પોતાના પાસે રહેલા ચપ્પાથી અનુરાગ ઉર્ફે રાજ પર હુમલો કર્યો હતો. આરોપીએ અનુરાગના છાતીના ભાગે બે ગંભીર જીવલેણ ઘા ઝીંક્યા હતા, જ્યારે ડાબા હાથના અંગૂઠાના ભાગે પણ ઇજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા અનુરાગનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે Limbayat Police Station ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૧૮(૧), ૨૯૬(બી) તેમજ ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧ની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી રાહુલ જોગીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી લિંબાયતના મિઠીખાડી વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ કરતાં આરોપીએ પોલીસ કર્મચારીઓ પર જ ચપ્પાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં એક પોલીસકર્મીને ઇજા પહોંચી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે આત્મરક્ષાના ભાગરૂપે પોતાની સર્વિસ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી આરોપી રાહુલ જોગીના જમણા પગમાં વાગી હતી. ઘાયલ હાલતમાં આરોપીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાને લઈને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે.

Most Popular

To Top