Top News

More Posts

   The Latest

Most Popular

10 x 4 ની દીવાલ અને 10 x 10 ની ઓરડી તોડી પડાઈ; એસઆરપીના કાફલા સાથે દબાણ શાખાની મોટી કાર્યવાહી

વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ટ્રાફિક અને અવરજવરથી સતત ધમધમતા રાવપુરા ઘી-કાંટા રોડ પર આજે વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાએ રાવપુરા રોડ પર આવેલ ‘શુ વર્લ્ડ’ શો-રૂમની પાછળ બનાવવામાં આવેલી ગેરકાયદે દીવાલ અને વાલ્મિકી વાસની ઓરડી પર બુલડોઝર ફેરવી દીધું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાવપુરા ઘી-કાંટા રોડ પર આવેલી ગરનાળા પોલીસ ચોકીની બિલકુલ સામે ચૌહાણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના માર્ગ પર ‘શુ વર્લ્ડ’ શો-રૂમની પાછળના ભાગે અંદાજે 10 x 4 ફૂટની ગેરકાયદે દીવાલ ઉભી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, આ જ વિસ્તારમાં વાલ્મિકી વાસની 10 x 10ની ગેરકાયદે ઓરડી પણ બનાવી દેવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ દબાણોને કારણે જાહેર રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
ગેરકાયદે દબાણોની ફરિયાદ મળતા જ પાલિકાના દબાણ શાખાની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને એસઆરપીના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પાલિકાએ બન્ને ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગરનાળા પોલીસ ચોકીની સામે આવેલી ચૌહાણ સોસાયટીમાં આ ઓરડી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. પાલિકા તંત્રની આ આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહે તેવી શક્યતા છે.

To Top