World

કેનેડાના નવા કાયદાથી ભારતીય ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં, 30,000 અરજદારોને નોટિસ, ડિપોર્ટેશનનો ખતરો

કેનેડામાં ઇમિગ્રેશન સંબંધિત નવા કાયદા બિલ C-12ના અમલ બાદ હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે અનિશ્ચિતતા વધી ગઈ છે. ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા લગભગ 30,000 અરજદારોને પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ મોકલવામાં આવ્યા છે. આ લેટર્સમાં જણાવાયું છે કે તેમની અરજીઓ નક્કી કરાયેલા માપદંડો મુજબ યોગ્ય નથી અને તેમને નિર્ધારિત સમયમર્યાદામાં વધુ પુરાવા અને માહિતી રજૂ કરવાની તક આપવામાં આવી છે. કેનેડાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સીધી ડિપોર્ટેશન કાર્યવાહી નથી, પરંતુ જો અરજદારો પોતાની યોગ્યતા સાબિત ન કરી શકે તો તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવી શકે છે. જેમાં દેશ છોડવાનો આદેશ કે ડિપોર્ટેશનની પ્રક્રિયા પણ સામેલ હોઈ શકે છે. ખાસ કરીને, ખાલિસ્તાન સાથે જોડાયેલા અથવા તેના સમર્થક તરીકે અરજી કરનારા લોકો પર આ પગલાંની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા કાયદા હેઠળ ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે જે લોકો કેનેડામાં આવ્યા પછી એક વર્ષની અંદર આશ્રય માટે અરજી નથી કરતા, તેમના કેસને ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB) સુધી મોકલવામાં નહીં આવે. ઉપરાંત, જે લોકો અમેરિકાથી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને કેનેડામાં પ્રવેશ કરે છે અને 14 દિવસમાં આશ્રય માટે અરજી નથી કરતા, તેઓને પણ અયોગ્ય ગણવામાં આવશે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફારોનો સૌથી મોટો અસર ભારતીય અરજદારો પર પડી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો સ્ટુડન્ટ્સ અથવા આશ્રય માગનાર તરીકે કેનેડામાં રહે છે. ખાસ કરીને એવા લોકો, જેમણે રાજકીય અથવા અન્ય કારણોસર આશ્રય માટે અરજી કરી છે, તેમની સ્થિતિ હવે વધુ મુશ્કેલ બની શકે છે.

ઇમિગ્રેશન વકીલો દ્વારા પણ આ પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઘણા કેસોમાં અરજદારોને વ્યક્તિગત સુનાવણીનો મોકો મળતો નથી, અને તેમને દસ્તાવેજો દ્વારા જ પોતાનો પક્ષ રજૂ કરવો પડે છે. જેના કારણે તેમની પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન થવામાં મુશ્કેલી પડે છે અને ખોટા નિર્ણયની શક્યતા વધી શકે છે. કેનેડાનું આ કડક વલણ તેની ઇમિગ્રેશન નીતિમાં મોટા બદલાવ તરફ ઈશારો કરે છે. સરકાર આને માસ ડિપોર્ટેશન તરીકે સ્વીકારતી નથી, પરંતુ હજારો સ્ટુડન્ટ્સ અને ઇમિગ્રન્ટ્સ માટે હાલ પરિસ્થિતિ અસ્પષ્ટ બની ગઈ છે. ઘણા લોકો માટે ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે અને તેઓ હવે પોતાના કેસને મજબૂત બનાવવા માટે વધુ પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે. આ પરિસ્થિતિ વચ્ચે, કેનેડામાં રહેતા ભારતીયો માટે આવનારો સમય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top