World

દેવામાં ડૂબ્યું માલદીવ, નિયમો પાળવા કે નિભાવવો પડોશી ધર્મ, માલદીવ મુદ્દે ભારત માટે અગ્નિપરીક્ષા

માલદીવ હાલમાં ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિમાં તેણે ફરી એકવાર ભારત પાસે મદદ માગી છે. ખાસ કરીને, માલદીવે કરન્સી સ્વેપ સુવિધા (ચલણ વિનિમય) લંબાવવાની વિનંતી કરી છે. પરંતુ આ વખતે ભારત માટે આ મદદ કરવી સરળ નથી, કારણ કે કેટલીક ટેકનિકલ અને નિયમનાત્મક અડચણો સામે આવી રહી છે. માલદીવની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પર્યટન પર આધારિત છે. પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે. સાથે જ ઈંધણના ભાવમાં વધારો થવાને કારણે ખર્ચમાં ભારે વધારો થયો છે. આ બંને પરિબળોએ માલદીવની અર્થવ્યવસ્થાને ઝટકો આપ્યો છે. ફિચ રેટિંગ્સે માલદીવને CC રેટિંગ આપ્યું છે, જે દર્શાવે છે કે દેશ દેવું ચૂકવવામાં નિષ્ફળ થવાની ઊંચી સંભાવના ધરાવે છે. માલદીવ પર વિદેશી કર્જનો ભાર વધતો જઈ રહ્યો છે અને વિદેશી હૂંડિયામણની ભારે અછત સર્જાઈ છે. એપ્રિલ 2026માં તેને લગભગ 1 અબજ ડોલરનું દેવું ચૂકવવું પડ્યું હતું. આ ચૂકવણી બાદ દેશનું વિદેશી ચલણ ભંડાર લગભગ ખાલી થવાના કાગારમાં પહોંચી ગયું છે.

આ પરિસ્થિતિમાં માલદીવે ભારત પાસેથી કરન્સી સ્વેપ સુવિધા વધારવાની માંગ કરી છે, પરંતુ ભારતીય નાણાકીય નિયમો મુજબ એક ચોક્કસ કૂલિંગ-ઓફ પિરિયડ રાખવો ફરજિયાત છે. એટલે કે, બે વખત નાણાં ઉપાડવાની વચ્ચે નક્કી સમયગાળો હોવો જોઈએ. ઉપરાંત, દેવાની મુદત લંબાવવાની મર્યાદા પણ હોય છે, જે માલદીવ માટે પહેલેથી જ બે વખત વપરાઈ ચૂકી છે. તેથી ત્રીજી વખત આ સુવિધા આપવી ભારત માટે કાયદાકીય અને કૂટનીતિક રીતે મુશ્કેલ બની રહી છે. જોકે, ભારત અગાઉથી જ માલદીવને ઘણી મદદ કરી ચૂક્યું છે. ઓક્ટોબર 2024માં ભારતે 400 મિલિયન ડોલરની કરન્સી સ્વેપ સુવિધા આપી હતી. ત્યારબાદ 2025માં બે વખત 100 મિલિયન ડોલરના વ્યાજમુક્ત ટ્રેઝરી બિલોની મુદત વધારી હતી. ઉપરાંત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 565 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ પણ આપવામાં આવી છે. હવે ભારત સામે પડકાર છે, એક તરફ પડોશી દેશને મદદ કરવાની ફરજ અને બીજી તરફ પોતાના નાણાકીય નિયમોનું પાલન. જો આ વખતે ભારત માલદીવની વિનંતી સ્વીકારી શકશે નહીં, તો ટૂંકા ગાળામાં માલદીવની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ પરિસ્થિતિ ભારત માટે પણ એક મહત્વપૂર્ણ કૂટનીતિક પરીક્ષા બની શકે છે.

Most Popular

To Top