Dahod

દાહોદના ભીટોડી નજીક ગમખ્વાર અકસ્માત: ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત

પાવાગઢ માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા મધ્યપ્રદેશના પરિવાર પર આફત
9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા

દાહોદ, તા. 18

દાહોદ જિલ્લાના ભીટોડી ગામ નજીક અમદાવાદ–ઇન્દોર હાઈવે પર આજે એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉભેલા કન્ટેનર સાથે ફોરવ્હીલ કાર અથડાતા 3 માસૂમ બાળકોના મોત થયા હતા, જ્યારે અન્ય 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
માહિતી મુજબ, મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કૈડાવદ ગામના એક પરિવારજનો પાવાગઢ માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કટવારા ગામ નજીક ભીટોડી પાસે ઉભેલા GJ 16 AY 7949 નંબરના કન્ટેનર સાથે તેમની MP 09 AC 1620 નંબરની કાર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં પ્રિયાન્સી, સૃષ્ટિ અને મોહિની નામની ત્રણ માસૂમ બાળાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. ઘટનામાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને દાહોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અચાનક બનેલી કરૂણ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top