(પ્રતિનિધિ), વડોદરા. તા.19
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના સખત નિર્દેશો અને પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં પ્રોજેક્ટર પર આઈપીએલ મેચ જોઈને ઓનલાઇન સટ્ટો રમી રહેલા પાંચ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
PCB ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત તથા તેમની ટીમને બાતમી મળી હતી કે, અલકાપુરીના અરુણોદય સર્કલ પાસે આવેલ અરુણોદય સોસાયટીમાં એક જૂના મકાનમાં કેટલાક શખ્સો આઈપીએલ મેચો પર ઓનલાઇન એપ્લિકેશન દ્વારા હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે PCB ની ટીમે ત્વરિત કાર્યવાહી કરી સ્થળ પર રેઇડ પાડી હતી.
રેઇડ દરમિયાન PCB ને 2,91,720/-રૂપિયાના મુદ્દામાલ સાથે 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં રોકડ 10,720/-રૂપિયા, 5 નંગ મોબાઇલ ફોન જેની કિંમત 25,000/રૂપિયા, એક પ્રોજેકટર તથા એક ડી.ટી.એચ સેટટોપ બોક્ષ કીંમત 6,000/રૂપિયા, 5 વાહનો કિંમત 2,50,000/રૂપિયા મળી આવ્યા હતા.
પોલીસે અટકાયત કરેલા પાંચેય આરોપીઓ વડોદરા શહેરના રહેવાસી છે.
- 1) અશોક શિવરામભાઇ ખરાલ (રહે. પ્રગતિ નગર, ગોરવા)
- 2) ધર્મેશ ઉર્ફે ગલો રમેશભાઇ કહાર (રહે. નવાપુરા)
- 3) પીયુષ ચંપકલાલ તડવી (રહે. સેવાસી, ગોત્રી)
- 4) સુનિલ છગનભાઇ બારૈયા (રહે. લક્ષ્મીપુરા)
- 5) વિજયભાઇ ભીખાભાઇ વાધેલા (રહે. સયાજીગંજ)
આ તમામ આરોપીઓ વિરૂદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત, પો.સ.ઇ. વાય.વી. પટેલ અને તેમની ટીમ (એ.એસ.આઇ જીગ્નેશભાઇ, પુષ્પેન્દ્રસિંહ, તથા અ.હે.કો. કાળુભાઇ, દિલીપસિંહ, હીતેન્દ્રસિંહ, મુકેશભાઇ, ભીમદેવસિંહ અને અ.પો.કો. હીમેશકુમાર) દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. શહેર પોલીસની આ કાર્યવાહીથી સટ્ટાબાજીના રવાડે ચડેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.