Sports

દિલ્હી કેપિટલ્સની ટીમમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી, મેચ પહેલા ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ

મુંબઇ: IPL 2022માં બીજી વખત કોરોનાના (Corona) કેસ નોંધાયા છે. આ વખતે પણ દિલ્હીના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેની મેચને લઈને શંકા છે. આ પહેલા પણ દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) કેમ્પમાં કોરોનાના ઘણા કેસો સામે આવ્યા હતા, પરંતુ ટૂર્નામેન્ટમાં તેની ખાસ અસર જોવા મળી નથી. જે ખેલાડી કોરોના પોઝિટિવ (Corona Positive) થયો છે તે નેટ બોલર છે. આ પછી જ ટીમને આગામી આદેશ સુધી હોટલના રૂમમાં અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ તમામ ખેલાડીઓ અને સ્ટાફનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેની રિપોર્ટ્ આવવાની હજી બાકી છે.

દિલ્હી ટીમની રિપોર્ટ્સની રાહ જોવાઇ રહી છેે
રવિવારે સાંજે 7:30 વાગ્યાથી દિલ્હીની ટીમ પોતાની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમવાની છે, પરંતુ હાલ દિલ્હીની આખી ટીમ આઈસોલેશનમાં હોવાને કારણે મેચને લઈને શંકા છે. રવિવારે સવારે તમામ ખેલાડીઓની તપાસ કરવામાં આવી છે અને તેમને તેમના રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેની મેચ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેની મેચને લઈને BCCI તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.

દિલ્હીની ટીમ બીજી વખત આઇસોલેટ થઇ
IPL 2022 દરમિયાન આ બીજી વખત છે જ્યારે દિલ્હીની ટીમ આઇસોલેટ થઇ છે. અગાઉ ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ, ઓલરાઉન્ડર મિશેલ માર્શ, કીપર-બેટ્સમેન ટિમ સીફર્ટ અને ત્રણ સપોર્ટ સ્ટાફ સહિત ટીમના છ સભ્યો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી પહેલા આ મેચ પુણેમાં રમાવાની હતી, પરંતુ બાદમાં તેને મુંબઈમાં કરવામાં આવી હતી.

દિલ્હીની ટીમે આગામી 3 મેચ કોઈપણ ભોગે જીતવી પડશે
ઋષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સે વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. જેમાંથી તેણે 5માં જીત મેળવી છે. આ ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે, દિલ્હીની ટીમને હવે તેની બાકીની 4 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. દિલ્હીની ટીમનો આગામી મુકાબલો રવિવારે સાંજે મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈની ટીમ સામે રમાવાનો છે.

Most Popular

To Top