Sports

ભારતને મળ્યો બીજો ધોની? ઉર્વિલ પટેલની તોફાની બેટિંગ જોઈ હરભજન બોલ્યા, આ છે ભારતનું ભવિષ્ય…

ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ આક્રમક વિકેટકીપર-બેટ્સમેનની ચર્ચા થાય છે ત્યારે મહેન્દ્ર સિંહ ધોની, ઋષભ પંત અને સંજુ સેમસન જેવા ખેલાડીઓનું નામ સૌથી પહેલા યાદ આવે છે. પરંતુ હવે આ યાદીમાં એક નવું નામ ઝડપથી પોતાની ઓળખ બનાવી રહ્યું છે, આ નામ છે ઉર્વિલ પટેલ. યુવા વિકેટકીપર-બેટ્સમેન ઉર્વિલ પટેલે IPL 2026માં પોતાની તોફાની બેટિંગથી માત્ર ચાહકો જ નહીં પરંતુ દિગ્ગજ ક્રિકેટરોને પણ પ્રભાવિત કરી દીધા છે. ખાસ કરીને લખનઊ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે તેણે જે આક્રમક અંદાજમાં બેટિંગ કરી, તે પછી પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ પણ તેની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નહોતા. હરભજન સિંહે ઉર્વિલ પટેલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ઉર્વિલ જે નિડરતા અને આત્મવિશ્વાસ સાથે શોટ રમે છે તે તેને અન્ય યુવા ખેલાડીઓથી અલગ બનાવે છે. ખાસ કરીને મેદાનના કાઉ કોર્નર વિસ્તારમાં તેણે જે રીતે મોટા શોટ ફટકાર્યા, તે જોઈને દરેક ચોંકી ગયો હતો. હરભજનના જણાવ્યા અનુસાર પિચ પર બેટિંગ કરવી સરળ નહોતી, છતાં ઉર્વિલે શરૂઆતથી જ બોલરો પર દબાણ બનાવી દીધું હતું.

ભજ્જીએ કહ્યું કે ઉર્વિલના પહેલા છ છગ્ગા જ એ સાબિત કરવા માટે પૂરતા હતા કે તે સામાન્ય ખેલાડી નથી. તેની બેટિંગમાં સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને શક્તિ ત્રણેય દેખાઈ આવ્યા હતા. ખાસ વાત એ છે કે દબાણની પરિસ્થિતિમાં પણ તેણે ગભરાયા વગર મેચનો રૂખ બદલવાની ક્ષમતા બતાવી હતી. CSK જેવી મોટી ફ્રેન્ચાઈઝી માટે રમતા યુવા ખેલાડીઓ પર હંમેશા દબાણ રહે છે, પરંતુ ઉર્વિલે પોતાની શાંત માનસિકતા અને આક્રમક રમતથી ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીત્યો છે. ઉર્વિલ પટેલ માટે આ સફળતા કોઈ અચાનક મળેલી સિદ્ધિ નથી. તેણે ઘરેલુ ક્રિકેટમાં પહેલાથી જ પોતાના બેટથી અનેક મોટા રેકોર્ડ બનાવ્યા છે. તેની સૌથી મોટી સિદ્ધિ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળી હતી, જ્યાં તેણે માત્ર 28 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. T20 ફોર્મેટમાં આ કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. આ રેકોર્ડ બાદ ક્રિકેટ જગતમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. માત્ર T20 જ નહીં, પરંતુ લિસ્ટ A ક્રિકેટમાં પણ ઉર્વિલે પોતાની તાકાત બતાવી છે. વિજય હજારે ટ્રોફીમાં તેણે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. ભારત માટે લિસ્ટ A ક્રિકેટમાં આ બીજી સૌથી ઝડપી સદી ગણાય છે. તેની આ ઇનિંગ્સે સ્પષ્ટ કરી દીધું હતું કે તે માત્ર પાવર હિટર જ નહીં પરંતુ ઝડપી રન બનાવવાની ખાસ ક્ષમતા ધરાવતો ખેલાડી છે.

આજના સમયમાં ટીમ ઈન્ડિયાને એવા વિકેટકીપર-બેટ્સમેનની જરૂર છે જે મિડલ ક્રમમાં આવીને મેચનો રૂખ પલટાવી શકે. ઉર્વિલ પટેલ પાસે આ બંને ગુણો જોવા મળે છે. એક તરફ તે ઝડપી રન બનાવે છે તો બીજી તરફ વિકેટ પાછળ પણ સારો દેખાવ કરે છે. તેની પાવર-હિટિંગ ક્ષમતા અને નિડર રમતને કારણે ઘણા ક્રિકેટ નિષ્ણાતો હવે તેને ભારતીય ટીમના આગામી મોટા સ્ટાર તરીકે જોઈ રહ્યા છે. હાલમાં ભારતીય ક્રિકેટમાં વિકેટકીપર-બેટ્સમેન માટે ભારે સ્પર્ધા છે, પરંતુ ઉર્વિલ પટેલ જે ઝડપથી આગળ વધી રહ્યો છે તે જોતા કહી શકાય કે આવનારા સમયમાં તે ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી શકે છે. IPLમાં તેની આક્રમક બેટિંગ અને ઘરેલુ ક્રિકેટમાં બનાવેલા રેકોર્ડ્સે એ સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટને કદાચ તેનો નવો ધોની મળી ગયો છે.

Most Popular

To Top