Sports

ટીમ ઈન્ડિયાની ચિંતા વધી, પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલ ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીની શરૂઆત પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. ઝડપી બોલર મોહમ્મદ સિરાજનો એક ઉછળતો બોલ સીધો ગિલની જમણી કોણી પર વાગતાં તે દર્દથી કણસી ઊઠ્યો હતો. ઈજા બાદ ગિલને તાત્કાલિક નેટ્સમાંથી બહાર જવું પડ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ શરૂ થવાના આશરે 48 કલાક પહેલાં બનેલી આ ઘટનાથી ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી હતી. પ્રેક્ટિસ દરમિયાન સિરાજે ફેંકેલો બોલ ઝડપથી ઉછળ્યો હતો અને ગિલ તેને યોગ્ય રીતે ટાળી શક્યો નહોતો. બોલ તેની જમણી કોણી પર વાગતાં તે અસ્વસ્થ જોવા મળ્યો હતો.

ઈજા થતાં જ ટીમના ફિઝિયોને મેદાન પર બોલાવવામાં આવ્યા હતા. મેડિકલ ટીમે ગિલની તપાસ કરી હતી અને લગભગ 20 મિનિટ સુધી તેની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન તેની જમણી કોણી પર પાટો પણ બાંધવામાં આવ્યો હતો. ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્માએ પણ ડગઆઉટમાં જઈને ગિલની ઈજા વિશે માહિતી મેળવી હતી.

જોકે, ગિલની ઈજાને લઈને પ્રાથમિક રીતે રાહતના સમાચાર મળ્યા હતા. સારવાર બાદ કોણીનો દુખાવો ઓછો થતાં ગિલે ફરી પ્રેક્ટિસ શરૂ કરી હતી. સેશન પૂરું થાય તે પહેલાં તે નેટ્સમાં પાછો ફર્યો અને થ્રો-ડાઉન બોલનો સામનો કરીને બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. ગિલનું ફરી નેટ્સમાં પરત ફરવું ટીમ માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યું છે.

ગિલની ઈજા પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ લાંબો સમય બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. બંને અનુભવી બેટર્સે લગભગ 20 મિનિટ સુધી સાથે નેટ્સમાં બેટિંગ કરી હતી. સ્થાનિક નેટ બોલર્સ ઉપરાંત ભારતીય ટીમના બોલરો સામે પણ બંનેએ આક્રમક શોટ્સ રમ્યા હતા અને સારી લયમાં જોવા મળ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ભારતીય ટીમની તૈયારીઓ વચ્ચે ગિલની ઈજાની ઘટના ચોક્કસપણે ચિંતાજનક રહી છે. જોકે, સારવાર બાદ તે ફરી બેટિંગ કરવા નેટ્સમાં પરત ફર્યો હોવાથી હાલમાં ટીમ માટે રાહતની સ્થિતિ છે. પ્રથમ વનડે પહેલાં તેની કોણીની સ્થિતિ પર ટીમ મેનેજમેન્ટની નજર રહેશે અને મેચ માટે તેની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

Most Popular

To Top