સુરતમાં ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે રંગેચંગે ગણેશ વિસર્જન યાત્રા નિકળી રહી છે. બપોરે 4 વાગ્યા સુધીમાં 34 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી દેવાયું છે. આખી રાત મંડપમાં બપ્પાની ભક્તિ અને વિવિધ આયોજનો વચ્ચે આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિતાવ્યા બાદ ગણેશ ભક્તો બપોરે 12 વાગ્યા પછી મોટી મૂર્તિઓ લઈ રાજમાર્ગ તરફ આગળ વધ્યા હતા. બપોરે 2 વાગ્યા સુધી ભાગળ પણ ઓછી ભીડ દેખાઈ હતી પરંતુ 3 વાગ્યા બાદ માહોલ જામ્યો હતો.
સુરતમાં અબીલ ગુલાલની છોળો વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન યાત્રા આગળ વધી રહી છે ત્યારે બપોરે 4 વાગ્યા સુધીમાં 34 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરાઈ ચુક્યું છે. મગદલ્લા ઓવારા, હજીરા ઓવારા અને ડુમસ ઓવારા મળીને કુલ 3 ઓવારા પર બપોરે 4 વાગ્યા સુધી 3851 પ્રતિમાઓનું વિસર્જન થઈ ચુક્યું છે. જેમાં મગદલ્લા ઓવારા પર 1400થી વધુ, ડુમસ નાવડી ઓવારા પર 300થી વધુ અને હજીરા ઓવારા પર 1800થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. બીજી તરફ 21 કૃત્રિમ તળાવો મળીને કુલ 30 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. સાથેજ અનેક શ્રદ્ધાળુઓએ ઘર આંગણે જ બપ્પાનું વિસર્જન કર્યું છે.
હજીરામાં પોલીસ કમિશ્નર દ્વારા આરતી બાદ વિસર્જન શરૂ
હજીરામાં ઈનચાર્જ પોલીસ કમિશ્નર વાબાંગ જમીર દ્વારા ગણપતિ બાપાની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિસર્જન પ્રક્રિયાની શરૂઆત કરાવવામાં આવી હતી. એક તરફ ઢોલ-નગારા અને ગણપતિ બાપા મોરયાના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું હતું તો બીજી તરફ બાપાને વિદાય આપતી વખતે ભક્તોની આંખોમાં ભાવુકતા પણ જોવા મળી હતી.
મોટી પ્રતિમાઓ માટે નક્કી કરાયેલા વિસર્જન રૂટ પર વહેલી સવારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો હતો. પાંચ ફૂટથી મોટી અનેક પ્રતિમાઓની યાત્રા પણ મળસ્કેથી જ શરૂ થઈ ગઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં પ્રતિમાઓ રૂટ પર ન આવી જાય તે માટે ગણેશ મંડળોને ફાળવવામાં આવેલા રૂટ અને વ્યવસ્થા પ્રમાણે યાત્રાઓ આગળ વધારવામાં આવી રહી હતી.
આ વખતે ડીજે પર પ્રતિબંધ હોવાથી મોટાભાગની શોભાયાત્રાઓમાં ઢોલ-નગારાં અને બેન્ડના તાલ સંભળાતા હતા. ઢોલના તાલે યુવાનો અને ગણેશ મંડળના સભ્યો ઝૂમી રહ્યા હતા. અનેક મંડળોના સભ્યો એકસરખા ડ્રેસમાં જોડાયા હતા, જેના કારણે શોભાયાત્રાઓમાં આગવી એકરૂપતા જોવા મળી હતી. ગુલાલની છોળો વચ્ચે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ અને ‘આવતા વરસે વહેલા આવજો’ના નાદથી રાજમાર્ગ ગૂંજી રહ્યો હતો.
કૃત્રિમ તળાવો પર પણ સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા
મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા પરંપરાગત રૂટ પરથી આગળ વધી રહી છે ત્યારે નાની પ્રતિમાઓ માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો ખાતે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. લોકો બાઈક, કાર અને અન્ય વાહનોમાં શ્રીજીની પ્રતિમા લઈને કૃત્રિમ તળાવો સુધી પહોંચ્યા હતા. પૂજા-વિધિ અને આરતી કર્યા બાદ ભક્તિભાવપૂર્વક ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ તળાવોની આસપાસ પણ ‘બાપ્પા મોરિયા’ના નાદ અને ભક્તિભાવથી વાતાવરણ ગણેશમય બન્યું હતું.