અગાઉ એર ઈન્ડિયાએ દિલ્હી-ફુકેટ ફ્લાઇટના મુખ્ય પાયલટને સાયકોએક્ટિવ સબસ્ટન્સના પરીક્ષણમાં પોઝિટિવ આવવા બદલ બરતરફ કર્યા બાદ હવે લગભગ એક મહિના પછી ઝ્યુરિક એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્ટ બાદ એર ઈન્ડિયાના અન્ય એક સહ-પાયલટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સહ-પાયલટે દારૂનું સેવન કર્યું હોવાની શંકાને પગલે એરપોર્ટ અધિકારીઓએ તેમને 6 સપ્ટેમ્બરના રોજ દિલ્હી જતી ફ્લાઇટનું સંચાલન કરતા અટકાવ્યા હતા. અત્યાર સુધી એર ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પ્રારંભિક તપાસમાં પોઝિટિવ પરિણામ
એર ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સહ-પાયલટ પ્રારંભિક તપાસમાં પોઝિટિવ જણાયો હતો જ્યારે ફોલો-અપ ટેસ્ટના પરિણામની રાહ જોવાઈ રહી છે. એરલાઇન નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને કોઈપણ ઉલ્લંઘનને રોકવા માટે પગલાં લઈ રહી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે સહ-પાયલટે 6 સપ્ટેમ્બરના રોજ ઝ્યુરિકથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI151નું સંચાલન કરવાનું હતું પરંતુ એરપોર્ટ પર તેમના શ્વાસમાંથી દારૂની ગંધ આવતી હોવાનું જણાયું હતું. ત્યારબાદ એરલાઇનના અધિકારીઓએ સ્વેચ્છાએ સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરી હતી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
સહ-પાયલટ સસ્પેન્ડ
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝ્યુરિચની ઘટના અંગે સ્થાનિક સત્તાવાળાઓ તરફથી પ્રારંભિક ‘બ્રેથ એનાલાઇઝર’ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાયલટને તાત્કાલિક ફ્લાઇટની ફરજ પરથી હટાવી લેવામાં આવ્યા હતા અને વધુ તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને મુસાફર તરીકે ભારત પાછા લાવવામાં આવ્યા હતા અને અંતિમ તબીબી રિપોર્ટ તથા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસના તારણોના આધારે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
FOCAના પ્રવક્તાએ શું કહ્યું
આ ઘટના અંગે સ્વિસ ફેડરલ ઓફિસ ઓફ સિવિલ એવિએશન (FOCA) ના પ્રવક્તાએ શુક્રવારે PTI ને જણાવ્યું હતું કે લાગુ પડતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું, “ઓપરેટર અને ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને આ અંગે જાણ કરવામાં આવી છે. પરિણામે ઝ્યુરિકથી દિલ્હી જતી ફ્લાઇટ AI151 નિર્ધારિત સમય મુજબ સંચાલિત થઈ શકી ન હતી.”