શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, સ્થાનિકોની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલા જાણીતા ગાયત્રી ભવન રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જોકે, ત્વરિત આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે જાનહાનિ થતા ટળી હતી.
રેસ્ટોરન્ટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. રેલવે સ્ટેશન પાછળ આગની ઘટના બનતા મુસાફરો અને સ્થાનિક દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો અને રેસ્ટોરન્ટના કર્મચારીઓએ હિંમત બતાવી હતી. સ્થાનિકોએ પાણી અને ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેસ્ટોરન્ટના એક ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.