મૌખિક-લેખિત આદેશોની અવગણના ભારે પડી; જો ગંદકી ચાલુ રહેશે તો સીલિંગનો સમય લંબાવાશે: આસિસ્ટન્ટ કમિશનર રિતેશ સોલંકી


વડોદરા:
વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર આરોગ્યની જાળવણી અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં ગંદકી ફેલાવતા અને સ્વચ્છતાના નિયમોનું અનાદર કરતા વેપારીઓ સામે પાલિકાના તંત્રએ લાલ આંખ કરી ધાકધમકી વગર સીધી કાર્યવાહી કરવાનો સપાટો બોલાવ્યો છે. વારંવાર મૌખિક તેમજ લેખિતમાં ચેતવણી આપવા છતાં પણ ગંદકી દૂર ન કરનારા અને નિયમોની અવગણના કરનારા વેપારીઓ સામે કડક પગલાં ભરતા મનપા દ્વારા ઉત્તર ઝોન વિસ્તારમાં બે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. પાલિકાની આ આક્રમક કાર્યવાહીથી શહેરના બેદરકાર વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13 હેઠળ આવતા ખંડેરો માર્કેટ ચાર રસ્તા પાસે પાલિકાની આરોગ્ય અને દબાણ શાખાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશ દરમિયાન ખંડેરો માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી એક સ્ટેશનરીની દુકાન અને એક ફૂલની દુકાન ખાતે ભારે ગંદકી જોવા મળી હતી. આ બંને દુકાનદારોને અગાઉ મનપા દ્વારા મૌખિક તેમજ લેખિત સ્વરૂપે આસપાસ સફાઈ રાખવા અને ગંદકી ન ફેલાવવા માટે અનેક વખત કડક આદેશો આપવામાં આવ્યા હતા. આમ છતાં, વેપારીઓ દ્વારા તંત્રની સૂચનાઓને સતત અવગણવામાં આવી રહી હતી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન ચાલુ રખાયું હતું.
આખરે વેપારીઓની આ બેદરકારી અને આડડાઈ સામે મનપાના તંત્રએ કડક રૂખ અપનાવીને બંને દુકાનોને સ્થળ પર જ સીલ મારી દીધું હતું. આ મામલે ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર રિતેશ સોલંકીએ સ્પષ્ટ અને આકરી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વેપારી સામે હવેથી કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો સીલિંગની કાર્યવાહી બાદ પણ વેપારીઓ દ્વારા ગંદકી યથાવત રાખવામાં આવશે કે નિયમોનું પાલન નહીં થાય, તો દુકાન સીલ રાખવાનો સમયગાળો આગામી દિવસોમાં હજુ પણ લંબાવવામાં આવશે.
સંસ્કારી નગરી વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવાની જવાબદારી માત્ર પાલિકાના તંત્ર પૂરતી સીમિત નથી, પરંતુ શહેરના નાગરિકો અને ખાસ કરીને વેપારી વર્ગની પણ એટલી જ સામાજિક ફરજ બને છે. મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક સીલિંગ ઝુંબેશ બાદ હવે અન્ય વેપારીઓ જાગૃત થઈને સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે કે કેમ, અથવા તો મનપાએ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવો જ સીલિંગનો સપાટો બોલાવવો પડશે, તે જોવું રહ્યું.