4 DCP, 10 ACP, 50 PI-PSI સહિત 600 પોલીસ અધિકારીઓ બહારથી બોલાવાયા, SRPFની 4, CISF અને RAFની 1-1 કંપની તૈનાત રહેશે : પોલીસ કમિશનર
CCTVથી લઈને ડ્રોન અને બોડી-વોર્ન કેમેરા સુધીની ટેક્નોલોજીથી વિસર્જન યાત્રાઓ પર નજર રાખવામાં આવશે
વડોદરા તા.24
ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થાય તેના માટે વડોદરા પોલીસનો તંત્ર સુસજ્જ થઈ ગયુ છે. શહેરમાં અત્યાર સુધી 30 હજારથી વધુ ગણેશ મૂર્તિઓના વિસર્જન બાદ હવે શુક્રવારે યોજાનારા મુખ્ય વિસર્જનને લઈને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પહેરો રાખવામા આવશે. CCTVથી લઈને ડ્રોન અને બોડી-વોર્ન કેમેરા સુધીની ટેક્નોલોજીથી વિસર્જન યાત્રાઓ પર નજર રાખવામાં આવશે.
વડોદરા શહેરમાં આવતીકાલે યોજાનારા ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વિસર્જન યાત્રાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેરમાં 3 હજારથી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી શહેરમાં 30 હજારથી વધુ ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. આવતીકાલના વિસર્જનને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ અને કોમ્યુનલી હાઇપર સેન્સિટિવ વિસ્તારો સહિતના સ્થળોએ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિસર્જન દરમિયાન 1 જોઇન્ટ પોલીસ કમિશનર, 8 DCP, 12થી વધુ ACP સહિત 2 હજારથી વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવશે. ઉપરાંત શહેર બહારથી 4 DCP, 10 ACP તથા 50 PI અને PSI સહિત આશરે 600 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે.
સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે SRPFની 4 કંપની, CISFની 1 કંપની અને RAFની 1 કંપની પણ તૈનાત રહેશે. કોઈ દુર્ઘટના કે આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે.
પોલીસ દ્વારા વિસર્જન યાત્રાઓ પર નજર રાખવા માટે CCTV કેમેરા, ડ્રોન, બોડી વોર્ન અને GPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ સોશિયલ મીડિયા પર અફવા કે ભડકાઉ માહિતી ફેલાવીને વિઘ્ન ઊભું કરનારાઓ સામે નજર રાખવા સાયબર પોલીસની ટીમો દ્વારા સતત સાયબર પેટ્રોલિંગ કરવામાં આવશે.
આમ ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બાપ્પાની વિદાય શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા ડીપ પોઇન્ટ તથા ધાબા પોઇન્ટ ઉપર પણ સતત બાજ નબર રાખવામાં આવશે.