SURAT

સુરતમાં મોડી રાત સુધીમાં 70 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન, હજીરા ખાતે લાંબી લાઈનો લાગી

સુરતમાં દિવસ દરમિયાન ચાલેલા ગણેશ વિસર્જન બાદ મોડી રાત્રે ઓવારાઓ પર ગણેશ પ્રતિમાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. રાત્રે 10 વાગ્યા સુધીમાં 60 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરી દેવાયું હતું. મોડી રાત સુધીમાં લગભગ 70 હજાર પ્રતિમાઓ વિસર્જીત કરાઈ હતી. દરમિયાન દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

રાત્રે 10 વાગ્યા સુધીમાં હજીરા, ડુમસ અને મગદલ્લા ઓવારા પર 7500 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જ્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા વિવિધ કૃત્રિમ તળાવોમાં લગભગ 52 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

શહેરમાં આશરે 90 હજાર નાની-મોટી ગણેશ પ્રતિમાઓના વિસર્જનને લઈ સુરત પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વિસર્જન દરમિયાન કોઈ પ્રકારનો વિલંબ ન થાય અને મોટા ગણેશ મંડળોના વાહનોની મુવમેન્ટ પર સતત નજર રાખી શકાય તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનોલોજી આધારિત વિશેષ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.

મોટી ગણેશ પ્રતિમાઓ લઈ જતા વાહનોમાં GPS ટ્રેકર લગાવવામાં આવ્યા છે. આ વાહનોની મુવમેન્ટ પર પોલીસ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. કયા સ્થળેથી વાહન પસાર થઈ રહ્યું છે અને તેની મુવમેન્ટમાં કોઈ અસામાન્ય વિલંબ તો થયો નથી ને, તેની માહિતી GPSના માધ્યમથી મળી રહે છે.

Most Popular

To Top