નવલખી કૃત્રિમ તળાવ પાસે ભાજપ નેતા અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી, વાતાવરણ ગરમાયું
સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છતો થયો
ડેપ્યુટી મેયર, સ્થાનિક નેતાઓ અને ડીસીપી સામસામે આવી જતા ભારે ભીડ એકત્ર થઈ
(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૫
શહેરના નવલખી કૃત્રિમ તળાવ પરિસરમાં ગણેશ વિસર્જન ટાણે એક આશ્ચર્યજનક અને ચર્ચાસ્પદ બનાવ બનવા પામ્યો છે. અહીં વહીવટી તંત્રની કાર્યવાહી અને જાહેર રજૂઆતો બાબતે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ/સ્થાનિક પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય અને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
નવલખી કૃત્રિમ તળાવ સ્થળ પર સ્થાનિક પ્રશ્નો અને વ્યવસ્થાપનને લઈને કોઈ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર રહેલા ડેપ્યુટી મેયર, સ્થાનિક આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારી વચ્ચે કોઈ બાબતે મતભેદ ઊભો થયો હતો. વાતચીત એટલી હદે વધી ગઈ કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
સત્તાધારી પક્ષના નેતા અને ખાખી વર્દીધારી ઉચ્ચ પોલીસ અધિકારી વચ્ચે જાહેરમાં ચાલી રહેલા આ વાદ-વિવાદને કારણે આસપાસના લોકો અને રાહદારીઓની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. અધિકારી અને નેતા વચ્ચે તું-તું, મેં-મેં જેવું વાતાવરણ સર્જાતા ઉપસ્થિત લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ હતી.
લોકપ્રતિનિધિઓ અને પોલીસ વિભાગ વચ્ચેનો આ પ્રકારનો ખુલ્લો ટકરાવ વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે. જોકે, આ બાબતે સત્તાવાર રીતે કોઈ મોટો વિવાદ ન થાય તે માટે ઉચ્ચ કક્ષાએથી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું મનાય છે. આ ઘટનાએ શહેરમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે.
આજ રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં નવલખી મેદાનમાં બનાવાયેલ કુત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે એક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મેયર ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર આદિત્ય પટેલની ગાડીને રોકવામાં આવી હતી. જેને પગલે ભાજપના નેતાઓ પોલીસ ઉપર ચઢી બેઠા હતા અને આખરે આ મામલો વડોદરા પોલીસ ઝોન ૨ ના DCP મંજીતા વણઝારા પાસે ગયો. ત્યાં પણ આ વિવાદ શમ્યો નહોતો અને આખરે DCP એટલા કંટાળી ગયા હતા કે તેમણે ડેપ્યુટી મેયર ને સંભળાવી દીધું હતું કે તમે રાઈનો પર્વત ના કરશો. ખરેખર તો ભાજપના નેતાઓએ વડોદરા પોલીસને સહયોગ આપવો જોઈએ એને બદલે જે સ્થિતિ સર્જાઈ એને કારણે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારી આજે ભાજપ નેતાઓ આમને સામને આવી ગયા હતા. આ જ્યારે બોલાચાલી ચાલી રહી હતી ત્યારે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની , મેયર ગીતા મકવાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષા વ્યાસ પણ ઉપસ્થિત હતા.