સુરતના વેસુ વિસ્તારમાં મિત્ર વચ્ચે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવવા ગયેલા 35 વર્ષીય યુવકની તેના જ મિત્રએ ચાકુના ઘા મારી હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. હેગડેવાર નગરમાં આવેલી સિંગ ઇલેક્ટ્રીક નામની દુકાન પાસે બનેલી આ ઘટનામાં મુકુલ ઠાકુરનું મોત થયું છે. મુકુલના પરિવારમાં પત્ની ઉપરાંત માત્ર બે મહિનાનું માસૂમ બાળક છે. મળતી માહિતી મુજબ, 24 સપ્ટેમ્બર 2026ની રાત્રે આશરે સાડા નવ વાગ્યે મુકુલ ઠાકુર તેના મિત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતુ સાથે હેગડેવાર નગર ખાતે આવેલી સિંગ ઇલેક્ટ્રીકની દુકાન પર ગયો હતો. અહીં જીતેન્દ્રનો દુકાન માલિક સુરજ રાજપૂત સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા ગાળાગાળી સુધી મામલો પહોંચ્યો હતો.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે મુકુલે વચ્ચે પડીને બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે જીતેન્દ્રને સમજાવીને પોતાની બાઇક પર બેસાડી તેના ઘરે મૂકી આવ્યો હતો. મામલો થાળે પડ્યો હોવાનું માનીને મુકુલ ફરી દુકાન પર પરત ફર્યો હતો. પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી વણસી હતી. રાત્રે આશરે સવા દસ વાગ્યે અગાઉના વિવાદને લઈને ઉશ્કેરાયેલો જીતેન્દ્ર ફરી દુકાન પાસે આવી પહોંચ્યો હતો. મુકુલે ફરી એકવાર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને મામલો શાંત પાડવા માટે તેને દુકાનની પાછળના ભાગમાં લઈ ગયો હતો. આ દરમિયાન જીતેન્દ્રએ પોતાની પાસે રહેલા ચાકુ વડે મુકુલના ગળાના ડાબા ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ચાકુનો ઘા વાગતાં મુકુલ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલા બાદ જીતેન્દ્રએ દુકાન માલિક સુરજ રાજપૂત પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં બૂમાબૂમ મચી ગઈ હતી. અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમણે જીતેન્દ્રને પકડી લીધો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં આરોપી નીચે પટકાતા તેને પણ ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુકુલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે દુકાનદાર સુરજ રાજપૂતની ફરિયાદના આધારે જીતેન્દ્ર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ઝઘડાનું ચોક્કસ કારણ, હુમલાની પરિસ્થિતિ અને અન્ય વિગતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મિત્ર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત પાડવા માટે વચ્ચે પડેલા મુકુલ પર જ જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પરિવારના સભ્ય ગુમાવતા મુકુલના પરિવાર પર આ ઘટનાથી આઘાતનું વાદળ છવાયું છે. બે મહિનાના બાળક સહિત પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.