અસામાજિક તત્વોએ લુખ્ખી દાદાગીરી કરી ગાળાગાળી બાદ હુમલો કર્યાનો આક્ષેપ, ઘટના CCTVમાં કેદ
આવા તત્વોને કારણે મંડળો બદનામ થતા હોવાની રાવ, કડક કાર્યવાહીની માંગ
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે ગોત્રી નંદાલય પાસે આવેલા ઓધવપુરા યુવક મંડળના આયોજકો સાથે હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંડળના સ્થળે આવી લુખ્ખી દાદાગીરી કરવામાં આવી હતી અને આયોજકોને અપશબ્દો બોલ્યા હતા.
મંડળના આક્ષેપ મુજબ ગાળો બોલ્યા બાદ અસામાજિક તત્વોએ આયોજકો પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી મંડળમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે ગણેશ મંડળના આયોજકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આયોજકોનું કહેવું છે કે આવા લુખ્ખા તત્વોના કારણે જ ગણેશ મંડળોનું નામ બદનામ થાય છે. તહેવારના માહોલમાં આવી દાદાગીરી સાંખી નહીં લેવાય. મંડળ દ્વારા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.