26 જિલ્લાઓમાં શાળાઓ બંધ, ક્યાં 1થી 8 તો ક્યાં ધોરણ-12 સુધી રજા
ઉત્તર પ્રદેશમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની ચેતવણી વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે.ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ જિલ્લાઓમાં રજાના આદેશ જાહેર કર્યા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 26 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે દરેક જિલ્લામાં કયા ધોરણ સુધી રજા રહેશે તે સ્થાનિક પ્રશાસનના આદેશ મુજબ અલગ છે.
પ્રયાગરાજમાં 26 સપ્ટેમ્બરે પ્રાથમિકથી લઈને ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અયોધ્યામાં ભારે વરસાદના રેડ અને ઓરેન્જ એલર્ટને કારણે ધોરણ 12 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે બારાબંકીમાં 26 અને 27 સપ્ટેમ્બર બંને દિવસ ધોરણ 12 સુધીની શાળાઓમાં શૈક્ષણિક કામગીરી બંધ રહેશે.આ ઉપરાંત ઉન્નાવ, હરદોઈ, ફતેહપુર, મિર્ઝાપુર, બાંદા અને ચિત્રકૂટમાં ધોરણ 1થી 8 સુધીની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિત્રકૂટમાં જિલ્લા મેજિસ્ટ્રેટે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને 26 સપ્ટેમ્બરે ધોરણ 1થી 8 સુધીની તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે. કાનપુર દેહાતમાં પણ 26 સપ્ટેમ્બરે તમામ શાળાઓ બંધ રહેશે.
કૌશાંબીમાં ધોરણ 1થી 12 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે મૈનપુરીમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ધોરણ 12 સુધીનું શિક્ષણ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે.હમીરપુરમાં પણ પ્રતિકૂળ હવામાનને કારણે પરિષદીય, માન્યતા પ્રાપ્ત અને સહાયિત શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.લખનઉમાં પણ 26 સપ્ટેમ્બરે ધોરણ 12 સુધીની તમામ સરકારી, સહાયિત અને ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓને લાગુ પડે છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ,ગાજવીજ અને તેજ પવનની આગાહી કરી છે. 25થી 27 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.બીજી તરફ શ્રાવસ્તીમાં રાપ્તી નદીના વધતા જળસ્તરને કારણે વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.પોલીસ દ્વારા લોકોને સાવચેત કરવા માટે જાહેરાત કરવામાં આવી રહી છે અને નદીનું જળસ્તર જોખમના નિશાનને પાર કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.ભારે વરસાદની સ્થિતિમાં શાળાઓ ફરી ક્યારે શરૂ થશે તે અંગે સ્થાનિક પ્રશાસનના આગામી આદેશને મહત્વપૂર્ણ માનવામાં આવશે.