રાજસ્થાન હાઇકોર્ટનો મોટો ચુકાદો, વિવાદ અને કાનૂની કાર્યવાહીનો અંત આવતા રાહત
વડોદરા તા.26
વડોદરાના જાણીતા રણજી ક્રિકેટર અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા શિવાલિક શર્માને રાજસ્થાન હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેની સામે દુષ્કર્મ મામલે નોંધાયેલી FIRને હાઇકોર્ટે રદ કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફેબ્રુઆરી 2023માં વડોદરા ફરવા આવેલી જોધપુરની એક યુવતીને શિવાલિક શર્મા સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ ઓગસ્ટ 2023માં પરિવારની હાજરીમાં સગાઈ પણ થઈ હતી. બાદમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે લગ્નના બહાને શિવાલિકે જોધપુર, જયપુર, ઉજ્જૈન સહિતની જગ્યાઓએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને પછી લગ્નનો ઇનકાર કર્યો હતો. જેના આધારે જાન્યુઆરી 2024માં જોધપુરના કુડી ભગતાસની પોલીસ મથકમાં શિવાલિક સામે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલે શિવાલિક શર્માએ રાજસ્થાન હાઇકોર્ટમાં FIR રદ કરવા અરજી કરી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન રજૂ થયેલી હકીકતો અને દલીલોને ધ્યાને લઈને હાઇકોર્ટે આ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ હુકમ સાથે જ વડોદરાના આ ક્રિકેટર સામેનો સમગ્ર વિવાદ અને કાનૂની કાર્યવાહીનો અંત આવ્યો છે.