વડોદરા સહિત રાજ્યભરના વેપારી સંગઠનોનું એલાન, એક દિવસ UPI પેમેન્ટ નહીં સ્વીકારે
1 ઓક્ટોબર ના રોજ કલેક્ટર અને સાંસદને દેખાવો યોજી ઉગ્ર રજૂઆત કરશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.26
દેશભરમાં UPI પર MDR મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાવવાની શરૂઆત સામે નાના-મોટા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 15 સપ્ટેમ્બરથી UPI પર MDR લાગુ કરવાની જાહેરાત બાદ વેપારી સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. UPI પર MDR મુદ્દે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ અને મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિમેષ મહેતાએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
વડોદરાના વેપારીઓના જણાવ્યા અનુસાર, આજે હરીફાઈના યુગમાં કન્ઝ્યુમર આઈટમ પર હોલસેલ અને રિટેલનો નફો માત્ર 1 થી 1.50 ટકા જેટલો હોય છે, તેમાં જો 2000 રૂપિયાથી વધુની ખરીદી પર 0.40 ટકા વધુમાં વધુ 300 રૂપિયા પ્લસ GST કપાઈ જશે તો વેપારીઓને સીધું નુકસાન થશે. તેની આડઅસર એ થશે કે વેપારીઓ 2000થી વધુ રકમનું UPI પેમેન્ટ સ્વીકારશે નહીં અને રોકડ લેવાનું શરૂ કરશે, જેનો ભાર આખરે ગ્રાહક પર પડશે. આ વિરોધના ભાગરૂપે વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ જેવા મોટા શહેરોમાં ઝુંબેશ શરૂ થઈ છે. વડોદરા ખાતે મળેલી બેઠકમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હાથીખાના બરોડા ગ્રેન મર્ચન્ટ એસોસિએશન, મીઠાઈ ફરસાણ એસોસિએશન, પદ્માવતી શોપિંગ સેન્ટર, અલકાપુરી અને મંગળબજાર કાપડ બજાર સહિત 70થી વધુ સંગઠનોએ 2જી ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે એક દિવસ માટે NO UPI DAY જાહેર કર્યો છે. આ દિવસે કોઈપણ વેપારી UPIથી પેમેન્ટ લેશે નહીં અને QR કોડ પર કાળો કાગળ કે કપડું લગાવી ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરશે. 2જી ઓક્ટોબરે જાહેર રજા હોવાથી વેપારીઓ તા. 1 ઓક્ટોબર ના રોજ કલેક્ટર અને સાંસદને આવેદનપત્ર આપશે.
મફતના નામે વેપારીઓને ફસાવ્યા, હવે MDR નાખી લૂંટવાની તૈયારી :
દુનિયામાં સૌથી વધુ UPI ટ્રાન્ઝેક્શન આજે ભારતમાં થાય છે. સરકારે શરૂઆતમાં ફ્રી ડિજિટલ પ્લેટફોર્મ આપીને નાના વેપારીઓને ડિજિટલ તરફ વાળ્યા અને હવે 15 સપ્ટેમ્બરથી MDR લગાવવાની શરૂઆત કરી દીધી છે. આની ખૂબ જ વિપરીત અસર બજારમાં પડશે. અમારો નફો જ 1 ટકા છે, તેમાં 0.40 ટકા કપાઈ જાય તો અમે ધંધો કેવી રીતે કરીશું? તેમણે વધુમાં જણાવ્યું કે, આ MDRની આડઅસર ગ્રાહક પર પડશે. વેપારી 2000થી વધુનું UPI લેશે નહીં, રોકડ માંગશે. આનાથી સરકારનું ડિજિટલ ઈન્ડિયાનું સપનું તૂટશે. એટલે જ અમે 2જી ઓક્ટોબરે NO UPI DAYનું એલાન કર્યું છે. અમે તમામ નાના વેપારીઓને વિનંતી કરીએ છીએ કે એક દિવસ UPI બંધ રાખી QR કોડ પર કાળી પટ્ટી લગાવી વિરોધમાં જોડાય. : પરેશ પરીખ,પ્રમુખ વેપાર વિકાસ એસોસિએશન
UPI વપરાશકર્તાઓ માટે કોઈ ચાર્જ નહીં,વેપારીઓ માટે પણ મોટાભાગના વ્યવહારો ફ્રી રહેશે – સરકાર :
PSS એક્ટમાં સુધારો UPIને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે, અફવાઓથી દૂર રહેવા અપીલ :
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તેવી સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓ પર ભારત સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે સામાન્ય નાગરિકો માટે યુપીઆઈ સંપૂર્ણપણે મફત જ રહેશે. થોડા દિવસ પૂર્વે સરકારે ત્રણ મોટી સ્પષ્ટતા કરી હતી. જેમાં વપરાશકર્તાઓ માટે કોઈ ચાર્જ નહીં, ચુકવણી કરતા ગ્રાહકોએ કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે નહીં. P2P વ્યવહારો મફત તમામ વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો વિના મૂલ્યે ચાલુ રહેશે. વેપારીઓ માટે નજીવો MDR જો ભવિષ્યમાં MDR લાગુ થશે તો પણ તે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કરતા ખૂબ જ ઓછા દરે અને અમુક નિશ્ચિત મર્યાદાથી ઉપરના મર્યાદિત વેપારી વ્યવહારો પર જ લાગશે. મોટાભાગના વેપારીઓ માટે યુપીઆઈ ફ્રી જ રહેશે. સરકારે જણાવ્યું કે ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026 હેઠળ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની કલમ 10Aમાં સુધારો પ્રસ્તાવિત છે. આ સુધારો ચાર્જ લાદવા માટે નહીં, પરંતુ યુપીઆઈના ઘાતાંકીય વિકાસ, સાયબર સુરક્ષા, છેતરપિંડી અટકાવવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે જરૂરી છે. એકવાર બિલ પસાર થયા બાદ NPCIની UPI અને સર્વિસીસ સ્ટીયરીંગ કમિટી MDR અંગે નિર્ણય લેશે. કેટલાક અહેવાલોમાં બાહ્ય પ્રભાવની વાતોને સરકારે પાયાવિહોણી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે. સરકારનું કહેવું છે કે જો બાહ્ય દબાણ હોત તો 2016માં યુપીઆઈ લોન્ચ જ ન કર્યું હોત અને 2020થી તેને મફત ન બનાવ્યું હોત. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જેણે જુલાઈ 2026માં જ 29.9 લાખ કરોડના 2,366 કરોડ વ્યવહારો કર્યા છે અને 11 વિદેશી દેશોમાં કાર્યરત છે.