Vadodara

નારાયણ ચોકડીથી વાઘોડિયા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ યુવક પર ચાકુથી ઘાતક હુમલો

ગણપતિ વિસર્જન બાદ થયેલી તકરાર ઉગ્ર બનતા બહારથી શખ્સો બોલાવાયા, સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળતા ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૬

વડોદરા :- શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં નારાયણ ચોકડીથી વાઘોડિયા રોડ પર ડીમાર્ટ તરફ જતા મુખ્ય માર્ગ પર સામાન્ય બોલાચાલી અને તકરારની અદાવતમાં એક યુવક પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કબીરનગરમાં રહેતા જયપ્રકાશ વૈજનાથ કેવટ અને અન્ય યુવકો વચ્ચે થયેલી તકરાર બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બહારથી શખ્સોને બોલાવવામાં આવ્યા હતા. પરિવારજનોના આક્ષેપ મુજબ ગાજરાવાડીમાં રહેતા આકાશ અને સન્ની નામના યુવકોએ તેમના સાગરીતો સાથે મળીને જયપ્રકાશ પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં જયપ્રકાશ સહિત અન્ય ત્રણ યુવકોને ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ ઈજાગ્રસ્ત જયપ્રકાશને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સમયસર યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમને પાણીગેટ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે પરિવારજનો દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરિયાદના આધારે આકાશ તથા સન્ની નામના બે યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પરિવાર દ્વારા આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top