મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સ્પેશિયલ સમરી રિવીઝન (SIR) પ્રક્રિયા સામેના આક્ષેપોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે આજે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. પંચે ચૂંટણી કમિશનરો વચ્ચે કથિત મતભેદો અંગેના વિવાદ પર મુદ્દાસર સ્પષ્ટતા કરી હતી. પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીના સ્પેશિયલ સમરી રિવીઝન (SIR) સંબંધિત તમામ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરીને લેવામાં આવ્યા હતા.
SIR અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શનિવારે દિલ્હીમાં ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ તથા ડૉ. વિવેક જોશી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ સમરી રિવીઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે વ્યક્તિઓના નામ રહી ગયા હોય અથવા નવા મતદારો મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી શકે છે. જેમને નોટિસ મળી છે, તેમના ઘરે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) જઈને જરૂરી દસ્તાવેજો એકત્રિત કરશે. આ દસ્તાવેજો ECINet પર અપલોડ કરવામાં આવશે અને પ્રાદેશિક અધિકારી અંતિમ નિર્ણય લેશે; જરૂર પડ્યે ઓનલાઇન સુનાવણી પણ કરવામાં આવશે.
CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોવા મળ્યા
પ્રેસ રિલીઝ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશી શનિવારે બપોરે નવી દિલ્હીમાં નિર્વાચન સદન ખાતે મળ્યા હતા. ત્રણેયને એક જ ટેબલ પર બેઠેલા દર્શાવતો એક ફોટોગ્રાફ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બેઠક એવા વિવાદ વચ્ચે યોજાઈ હતી જે એક મીડિયા રિપોર્ટને કારણે શરૂ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંધુ અને જોશીએ અનેક પ્રસંગોએ SIR સંબંધિત નિર્ણયો અને આદેશો સામે વાંધો ઉઠાવ્યો હતો.
SIR દરમિયાન ૧૩.૩૭ કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા, દિલ્હીમાં સૌથી વધુ
ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયાના અત્યાર સુધીના ત્રણ તબક્કાઓમાં, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતદારોની ડ્રાફ્ટ યાદીમાંથી ૧૩.૩૭ કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. આ સંખ્યા SIR પહેલાંના કુલ મતદારોના ૧૪.૧% જેટલી છે. દિલ્હીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જ્યાં મતદારોની સંખ્યામાં ૩૨.૮%નો ઘટાડો થયો છે. ત્યારબાદ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ (૨૯.૬%), તેલંગાણા (૨૧.૭%), મહારાષ્ટ્ર (૨૧.૧%) અને અંદામાન અને નિકોબાર (૨૦.૬%)નો ક્રમ આવે છે.
દિલ્હી અને મહારાષ્ટ્રમાં ૩૦ ઓક્ટોબર સુધી દાવા રજૂ કરવાની છૂટ
બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં દાવા અને વાંધાઓ રજૂ કરવાની અંતિમ તારીખ લંબાવીને ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ કરવામાં આવી છે. દિલ્હીમાં ૩૦ નવેમ્બર સુધી અને મહારાષ્ટ્રમાં ૧૦ નવેમ્બર સુધીમાં વિવાદોનું નિરાકરણ લાવવું જરૂરી છે. ગોવામાં જે મતદારોના નામ યાદીમાંથી રહી ગયા છે તેમના માટે બ્લોક અધિકારીઓ ‘ફોર્મ-૬’ની અરજીઓ એકત્રિત કરવા ઘરે-ઘરે જઈને સંપર્ક કરશે.
SIR પ્રક્રિયા હેઠળ જો કોઈ વ્યક્તિનું નામ યાદીમાં ન હોય અથવા રહી ગયું હોય, તો ‘ફોર્મ-૬’નો ઉપયોગ કરીને નામ સામેલ કરવા માટે દાવો કરી શકાય છે. પંચે જણાવ્યું હતું કે ‘ફોર્મ-૬’ અંગે કોઈ વિવાદ નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે આ ફોર્મને માન્ય રાખ્યું છે.
SIR અંગે કોંગ્રેસનો દેશવ્યાપી વિરોધ
આ મુદ્દો ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સામે આવ્યો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ૧૦ મહિનામાં બે ચૂંટણી કમિશનરોએ પંચના નિર્ણયો સામે ૧૪ વખત વાંધા ઉઠાવ્યા હતા, પરંતુ તે વાંધાઓ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
કોંગ્રેસ પક્ષનો આરોપ છે કે જ્ઞાનેશ કુમાર ચૂંટણી પંચમાં મનસ્વી રીતે કામ કરી રહ્યા છે અને અન્ય બે કમિશનરોના મંતવ્યોને અવગણી રહ્યા છે. શુક્રવારે, કોંગ્રેસે જ્ઞાનેશ કુમારને હટાવવાની અને તેમની ધરપકડ કરવાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી સંબંધિત અમુક આદેશો અને કથિત સોફ્ટવેર ફેરફારો અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.
બે ચૂંટણી કમિશનરોએ ચાર મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા:
ફોર્મ-6માં ફેરફારો: બંનેએ નવા મતદારો માટે અગાઉની SIR યાદીમાંથી તેમના પોતાના અથવા તેમના પરિવારના સભ્યોના નામની વિગતો આપવાની આવશ્યકતા પર સવાલ ઉઠાવ્યા. સંધુએ આને ગેરકાયદેસર ગણાવ્યું અને તેને દૂર કરવાની માંગ કરી.
મતદાર ડેટા પર નિયંત્રણ: બંનેએ પ્રશ્ન કર્યો કે મતદાર ડેટાબેઝ પરનું નિયંત્રણ શા માટે દિલ્હીમાં વધુને વધુ કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જ્યારે રાજ્યોની પહોંચ મર્યાદિત કરવામાં આવી રહી છે.
બંગાળમાં 16 લાખ અપીલો: સંધુએ પૂછ્યું કે દૂર કરવામાં આવેલા નામો અંગે આશરે 16 લાખ અપીલો કોણે દાખલ કરી હતી અને કોની પરવાનગીથી કરવામાં આવી હતી.
ગોવામાં 97 મતદારો: ચકાસણી બાદ પાત્ર ઠરેલા 97 મતદારોને સોફ્ટવેરની ખામીને કારણે અંતિમ મતદાર યાદીમાં સામેલ કરી શકાયા ન હતા.