SURAT

સૂર્યોદય પહેલાં જ રાજમાર્ગ ગણેશમયઃ સવારથી જ ભાગળ ચાર રસ્તે બાપ્પાની વિદાય માટે ઉમટી ભીડ

સુરત: ગણેશોત્સવના અંતિમ દિવસ એવા આનંદ ચૌદસે સુરતના પરંપરાગત રાજમાર્ગ પર સૂર્યોદય થાય તે પહેલાં જ ગણપતિ વિસર્જનની ધમધમાટ શરૂ થઈ ગઈ હતી. મધરાતથી જ ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો’ના નાદ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રીજીની વિદાય યાત્રાઓ નીકળવા લાગી હતી. મળસ્કે ચાર વાગ્યાની આસપાસ ભાગળ ચાર રસ્તા પર એક પછી એક ગણેશ પ્રતિમાઓ પહોંચતાં જાણે દિવસ ઊગે તે પહેલાં જ આખું શહેર ગણેશમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.

પરંપરાગત રીતે ગણેશ વિસર્જન યાત્રાના મહત્વના માર્ગ તરીકે ઓળખાતા ભાગળ ચાર રસ્તા સહિતના રાજમાર્ગો પર વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. શ્રીજીની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રાઓમાં ઢોલ-નગારાના તાલે યુવાનો ઝૂમતા હતા, જ્યારે હાથમાં ધજા અને ગુલાલ સાથે ભક્તો બાપ્પાની વિદાયના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.

ગણેશ ચતુર્થીથી સ્થાપના કરાયેલા શ્રીજીને આનંદ ચૌદસે વિદાય આપવાનો દિવસ હોવાથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વહેલી સવારથી જ વિસર્જન યાત્રાઓ નીકળવા લાગી હતી. અનેક ગણેશ મંડળોએ સવારનો સમય વિસર્જન માટે પસંદ કરતાં શહેરના મુખ્ય માર્ગો પર મળસ્કેથી જ ઉત્સવનો અંતિમ દિવસ રંગીન બની ગયો હતો. ભાગળ ચાર રસ્તા સહિત વિવિધ માર્ગો પર શ્રીજીની પ્રતિમાઓ સાથે પસાર થતી યાત્રાઓના અંતિમ દર્શન કરવા લોકો પણ વહેલી સવારથી રસ્તાની બંને બાજુ ઊભા રહી ગયા હતા.

આનંદ ચૌદસની વહેલી સવારથી જ રાજમાર્ગ પર શરૂ થયેલી શ્રીજીની વિદાય યાત્રા સાથે સુરતનો પરંપરાગત ગણેશ વિસર્જનનો માહોલ ફરી એકવાર જીવંત બની ગયો હતો. ઢોલ-નગારાના તાલ, ભક્તોની ભીડ અને ‘બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો’ના નાદ વચ્ચે બાપ્પાને ભાવભીની વિદાય આપતાં સુરત દિવસભર ગણેશમય રહ્યું હતું.
વિસર્જન યાત્રામાં ઉત્સાહ અને ભક્તિની સાથે ભાવુક દૃશ્યો પણ જોવા મળ્યા હતા. એક સ્થળે શ્રીજીના વિસર્જન સમયે એક બાળકી બાપ્પાને વિદાય આપતી વખતે ભાવુક બની ગઈ હતી અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. બાળકીની આંખોમાંથી વહેતા આંસુ અને બાપ્પાને વિદાય આપવાની લાગણીથી આસપાસનું વાતાવરણ પણ કરુણ બની ગયું હતું.
આવા દૃશ્યો દર્શાવતા હતા કે ગણેશોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ અનેક પરિવારો અને ભક્તો માટે લાગણી સાથે જોડાયેલો પ્રસંગ પણ બની ગયો છે.

રાજમાર્ગ પર બાપ્પાના અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ
વહેલી સવારના અંધકાર વચ્ચે પણ અનેક પરિવારો બાળકો સાથે વિસર્જન યાત્રા નિહાળવા પહોંચ્યા હતા. રસ્તાની બંને બાજુ ઊભેલા લોકો ગણેશજીની પ્રતિમાના અંતિમ દર્શન કરી રહ્યા હતા. ક્યાંક ભક્તો હાથ જોડીને ઊભા રહ્યા હતા તો ક્યાંક આરતી કરીને બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.

મોટી પ્રતિમાઓ માટે નક્કી કરાયેલા વિસર્જન રૂટ પર વહેલી સવારથી જ ધમધમાટ શરૂ થઈ ગયો હતો. પાંચ ફૂટથી મોટી અનેક પ્રતિમાઓની યાત્રા પણ મળસ્કેથી જ શરૂ થઈ ગઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં પ્રતિમાઓ રૂટ પર ન આવી જાય તે માટે ગણેશ મંડળોને ફાળવવામાં આવેલા રૂટ અને વ્યવસ્થા પ્રમાણે યાત્રાઓ આગળ વધારવામાં આવી રહી હતી.

કેટલાક વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની મોડી રાત સુધી આગમન યાત્રાઓ ચાલુ રહેવાના કારણે પાંચમના દિવસે પણ કેટલીક જગ્યાએ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. તેમ છતાં આનંદ ચૌદસે વિસર્જન માટે નીકળેલા આયોજકો અને ભક્તોમાં બાપ્પાને વિદાય આપવાનો ઉત્સાહ જરા પણ ઓછો જોવા મળ્યો નહોતો.

કૃત્રિમ તળાવો પર પણ સવારથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ
મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા પરંપરાગત રૂટ પરથી આગળ વધી રહી હતી, ત્યારે નાની પ્રતિમાઓ માટે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવો ખાતે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. લોકો બાઈક, કાર અને અન્ય વાહનોમાં શ્રીજીની પ્રતિમા લઈને કૃત્રિમ તળાવો સુધી પહોંચ્યા હતા. પૂજા-વિધિ અને આરતી કર્યા બાદ ભક્તિભાવપૂર્વક ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ તળાવોની આસપાસ પણ ‘બાપ્પા મોરિયા’ના નાદ અને ભક્તિભાવથી વાતાવરણ ગણેશમય બન્યું હતું.

ડીજે વિના ઢોલ-નગારાના તાલે શોભાયાત્રા
આ વખતે ડીજે પર પ્રતિબંધ હોવાથી મોટાભાગની શોભાયાત્રાઓમાં ઢોલ-નગારાં અને બેન્ડના તાલ સંભળાતા હતા. ઢોલના તાલે યુવાનો અને ગણેશ મંડળના સભ્યો ઝૂમી રહ્યા હતા. અનેક મંડળોના સભ્યો એકસરખા ડ્રેસમાં જોડાયા હતા, જેના કારણે શોભાયાત્રાઓમાં આગવી એકરૂપતા જોવા મળી હતી. ગુલાલની છોળો વચ્ચે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ અને ‘આવતા વરસે વહેલા આવજો’ના નાદથી રાજમાર્ગ ગૂંજી રહ્યો હતો. બાપ્પાની એક ઝલક મેળવવા માટે લોકો રસ્તાની બંને બાજુ એકઠા થતા હતા. ઉત્સવ પૂર્ણ થવાની લાગણી સાથે આગામી વર્ષે ફરી બાપ્પાના આગમનની આશા પણ ભક્તોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી.

મધ્યરાત્રીથી તંત્ર રસ્તા પર, મોડી રાત સુધી દોડધામ
શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પાલિકા, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો પણ મધ્યરાત્રીથી જ રસ્તા પર ઉતરી ગઈ હતી. વિસર્જન રૂટ પર પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યા હતા. પાલિકાની ટીમો દ્વારા કૃત્રિમ તળાવો અને અન્ય વિસર્જન સ્થળોએ જરૂરી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
મોટી પ્રતિમાઓના વિસર્જન સ્થળો પર પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી. દિવસ દરમિયાન એક પછી એક ગણેશ મંડળોની યાત્રાઓ આગળ વધતી રહી હતી અને મોડી રાત સુધી વિસર્જન યાત્રાઓ ચાલુ રહેવાની શક્યતા વચ્ચે તંત્રની ટીમો પણ રાતભર ખડેપગે રહી હતી.

Most Popular

To Top