સવારે 7.40એ વડોદરાથી ઉપડશે, અસારવાની જૂની વંદે ભારત બંધ કરી હવે સુરત સુધી લંબાવાઈ, 3 ઓક્ટોબરથી નિયમિત શરૂ
(પ્રતિનિધિ) વડોદરા, તા.26
દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ભારતીય રેલવે બોર્ડ દ્વારા નવી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રીમિયમ ટ્રેન સર્વિસ 3 ઓક્ટોબરથી નિયમિત શરૂ થશે, જેમાં વડોદરા જંક્શનને મહત્વનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેએ સુરત-ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ (26903/26904) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે અમદાવાદના અસારવાથી ઉપડતી ઉદયપુર વંદે ભારત (26963/64) કાયમી ધોરણે બંધ કરાશે. રેલવે બોર્ડે બહાર પાડેલા આદેશમાં વડોદરાને આ રૂટનું મુખ્ય વોટરિંગ સ્ટેશન પણ બનાવ્યું છે. વડોદરાથી ઉદયપુર જવા માટે હવે સીધી સેમી-હાઈસ્પીડ કનેક્ટિવિટી મળશે. આ ટ્રેન સુરતથી સવારે 06:10 એ ઉપડી સવારે 07:40 વાગ્યે વડોદરા આવશે અને માત્ર 2 મિનિટના હોલ્ટ બાદ 07:45 એ ઉદયપુર તરફ રવાના થશે. બપોરે 13:40 એ ઉદયપુર પહોંચાડશે. એટલે કે વડોદરાથી ઉદયપુર માત્ર 6 કલાકમાં. પરત ફરતી વખતે ટ્રેન નં. 26904 ઉદયપુરથી 15:35 એ ઉપડી રાત્રે 21:22 વાગ્યે વડોદરા આવશે અને 21:27 એ સુરત તરફ જશે. સુરત 23:00 વાગ્યે પહોંચશે. આ ટ્રેનનો રૂટ ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, અસરવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર રહેશે. 8 કોચની આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, મંગળવારે બંધ રહેશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, અસરવાથી ચાલતી ટ્રેનમાં ઓક્યુપન્સી ઓછી રહેતી હતી, જ્યારે સુરત-વડોદરા પટ્ટામાંથી ઉદયપુર તરફ જતા પ્રવાસીઓ અને બિઝનેસ ટ્રાવેલર્સની સંખ્યા વધુ છે. આથી આ નિર્ણયથી વડોદરાના મુસાફરોને સીધો લાભ મળશે. બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે.