વરણામામાં સ્કૂલમાં ચાલક સહિત પાંચ લોકોને પણ માર માર્યાનો આક્ષેપ, પિતા-પુત્રીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
વડોદરા તા.26
વરણામા તાલુકાના જોબન ટેકરી ગામમાં દિવ્યાંગ યુવતીને મારતા રોકવા બદલ મનદુઃખ રાખી સ્કૂલવાન ચાલક સહિત તેના પરિવારજનો પર લાકડી અને લોખંડની પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. મારામારીમાં પિતા-પુત્રીને ઇજા થતાં બંનેને એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જોબન ટેકરી ગામે રહેતા અને સ્કૂલવાન ચલાવતા રાજુભાઇ રતિલાલ વસાવા પરિવાર સાથે મારુતિવાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ગામના મહાદેવ મંદિર સામે નરેશભાઇ બાબુભાઇ ઠાકરડા અને તેનો ભત્રીજો રવિ ઉર્ફે ટીલીયો ઠાકરડા રોડ વચ્ચે ઊભા રહી તેમની કાર રોકી હતી. રાજુભાઇ નીચે ઉતરતાં નરેશભાઇએ ગાળો આપી લાકડી વડે તેમના માથામાં મારતાં લોહી નીકળ્યું હતું.
ત્યારબાદ રવિ ઉર્ફે ટીલીયાએ લોખંડની પાઇપથી રાજુભાઇને માર માર્યો હતો. બંનેએ ભેગા મળી હુમલો કરતાં રાજુભાઇને છોડાવવા તેમની માતા મણીબેન, પુત્રીઓ પ્રિયા-ઉર્વશી અને પુત્ર ગૌરાંગ વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ પરિવારજનોને પણ માથામાં મુઢ માર માર્યાનો આક્ષેપ છે.
બૂમાબૂમ થતાં ગામના લોકો દોડી આવતા બંને આરોપીઓએ જતા જતા, ‘બીજી વખત કંઈ કહેશો તો બધાને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી નાસી ગયા હતા. ત્યારબાદ રાજુભાઇના ભાઇ નિતીનભાઇએ 108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત રાજુભાઇ અને પુત્રી પ્રિયાને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાજુભાઇના માથામાં ટાંકા આવ્યા હતા, જ્યારે પુત્રીને પેટના ભાગે ઇજા થઇ હતી. સારવાર બાદ બંનેને રજા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે એક દિવ્યાંગ યુવતી ચપ્પલ લઇ જતાં નરેશ તેને મારવા દોડ્યો હતો. રાજુભાઇએ અસ્થિર મગજની યુવતીને મારવી નહીં તેમ કહી રોક્યો હતો. આ બાબતની અદાવત રાખી હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. અગાઉ આ મામલે 112માં પણ જાણ કરવામાં આવી હતી. વરણામા પોલીસે અરજીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.