SURAT

નાનપુરામાં શાકભાજી માર્કેટ પાસે ઝાડ ધરાશાયી, સ્થાનિકોએ ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા

સુરતના નાનપુરા વિસ્તારમાં દોતીવાલા બેકરી પાસે શાકભાજી માર્કેટ નજીક અચાનક એક મોટું ઝાડ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઝાડ નીચે ત્રણ લોકો દબાઈ ગયા હતા, જ્યારે નજીક પાર્ક કરેલા ચાર જેટલા વાહનો પણ ઝાડની નીચે આવી ગયા હતા. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. મળતી માહિતી મુજબ, નાનપુરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે લોકોની અવરજવર ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ઝાડ ધરાશાયી થતાં ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઝાડ પડતાં ત્રણ લોકો તેની નીચે ફસાઈ ગયા હતા. સાથે જ નજીકમાં પાર્ક કરેલા ચાર વાહનો પણ ઝાડની નીચે દબાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત કરીને ઝાડ નીચે ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લીધા હતા. ત્રણેય લોકોને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય બાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ કટર મશીનની મદદથી ઝાડના ભાગોને કાપીને રસ્તા પર પડેલા કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ઝાડ નીચે દબાયેલા વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝાડ પડવાને કારણે બંધ થયેલો મુખ્ય રસ્તો પણ સાફ કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ઝાડ ધરાશાયી થવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. સામે આવેલા વીડિયોમાં અચાનક ઝાડ પડતું જોવા મળે છે અને ઘટનાસ્થળે હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા નજરે પડે છે. ઘટનાની અચાનક બનેલી હોવાથી થોડી જ ક્ષણોમાં ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, સદનસીબે ત્રણેય લોકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ઘટનામાં વાહનોને નુકસાન થયું છે. આ બનાવ બાદ આસપાસના લોકોમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top