Business

સુરતમાં આજે શ્રીજીને વાજતે-ગાજતે વિદાય

21 કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન, દરિયાકાંઠે મોટી મૂર્તિઓનું વિસર્જન

ગણેશોત્સવના 12 દિવસના ભવ્ય મહોત્સવ બાદ આજે સુરત શહેરમાં શ્રીજીની પ્રતિમાઓને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવી રહી છૅ,શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની શરૂવાત થઈ ગઈ છૅ મોટી સંખ્યામાં ભક્તો અને ગણેશ મંડળો જોડાવાના હોવાથીw સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.

21 કૃત્રિમ તળાવ તૈયાર
સૂર્ય પુત્રી તાપી નદીના પ્રદૂષણને અટકાવવા માટે સુરત મનપા દ્વારા શહેરમાં 21 કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. આ તળાવોમાં વિસર્જન માટે ચોવીસ કલાક કામગીરી ચાલુ રાખવામાં આવી છે.મનપા દ્વારા આશરે 3,825 કર્મચારીઓ, 454 ભારે વાહનો, 38 ક્રેન, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, 14 જેસીબી તથા 33 ડમ્પર સહિતની વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે.કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવેલી મૂર્તિઓને બાદમાં વાહનો મારફતે બહાર કાઢી યોગ્ય સ્થળે લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન
5 ફૂટથી મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ડુમસ અને હજીરા દરિયાકાંઠે કરવામાં આવશે. મોટી પ્રતિમાઓને નિયત રૂટ પરથી લઈ જવા માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.વિસર્જન પ્રક્રિયા આજે મોડી રાત સુધી ચાલવાની શક્યતા હોવાથી પોલીસ અને મનપાની ટીમો સતત સ્થળ પર હાજર રહેશે.

વિસર્જન રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરવાના હોવાથી શહેરના મુખ્ય વિસર્જન રૂટ તથા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા રૂટ પર સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવશે.તાજેતરના પોલીસ આયોજન મુજબ સુરતમાં આશરે 90 હજાર જેટલી નાની-મોટી ગણેશ મૂર્તિઓના વિસર્જનની અપેક્ષા છે,મોટી ગણેશ મૂર્તિઓ લઈ જતા વાહનોમાં GPS લગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેમની હિલચાલ પર નજર રાખી શકાય.

દરિયાકાંઠે રેસ્ક્યૂ ટીમ તૈનાત
ડુમસ અને હજીરા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિસર્જન દરમિયાન સલામતી માટે બોટ, ડાઇવર્સ અને રેસ્ક્યૂ ટીમોને તૈયાર રાખવામાં આવશે. કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ટીમો સ્ટેન્ડબાય રહેશે.

25 મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા
ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે શહેરના 25 મુખ્ય રસ્તાઓ પર ડાયવર્ઝન અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરી છે. વિસર્જન યાત્રાઓને સરળતાથી પસાર કરાવવા તથા ઇમરજન્સી સેવાઓ માટે રસ્તો ખુલ્લો રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

કૃત્રિમ તળાવનો ઉપયોગ કરવા અપીલ
મનપા દ્વારા નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી નિયત કૃત્રિમ તળાવોમાં જ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. તેનો હેતુ તાપી નદી અને અન્ય કુદરતી જળસ્રોતોને પ્રદૂષણથી બચાવવાનો છે. 2026 માટે સુરતમાં 21 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અગાઉ પણ જાહેર કરવામાં આવ્યું છે.આજે સુરત શહેરમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના નાદ સાથે શ્રીજીને વિદાય આપવામાં આવશે. મોટી સંખ્યામાં ગણેશ મંડળો વિસર્જન યાત્રામાં જોડાશે ત્યારે પોલીસ, મનપા અને રેસ્ક્યૂ ટીમો દ્વારા સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે.

શહેરમાં આજે શહેરી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે
સુરત શહેરમાં આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન શહેરના વિવિધ કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારાઓ ખાતે નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે. ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીને ધ્યાને રાખીને મુજબ વિસર્જનના દિવસે શહેરમાંથી પસાર થતી જાહેર પરિવહન સેવાઓને અસર પહોંચશે. વિસર્જન યાત્રાના મુખ્ય રૂટો પર લોકોની ભારે ભીડ અને વાહનોની અવરજવરને કારણે બસ સંચાલન ખોરવાઈ જવાની પૂર્ણ શક્યતા છે. જેથી મનપા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે વિસર્જનના દિવસે એટલે કે, શુક્રવારે તમામ બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ નિર્ણય હેઠળ અઠવાગેટ, એસવીએનઆઇટી, રાહુલરાજ મોલ, અડાજણ, પાલ, ભાઠા, ડભોલી, ભેસાણ, ઉધના-મગદલ્લા રોડ, ભટાર, વેસુ કેનાલ રોડ, હજીરા હાઇવે સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં સીટીલિંક અને બીઆરટીએસ બસોની કામગીરી સ્થગિત રહેશે. દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે ૨.૫ લાખથી વધુ મુસાફરોને ધ્યાને રાખી મનપા દ્વારા આગોતરું જાહેરાત કરવામાં આવી છે.

Most Popular

To Top