સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. 21 કૃત્રિમ તળાવ અને મગદલ્લા, ડુમસ તેમજ હજીરા ઓવારાઓ પર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. દરમિયાન લિંબાયત વિસ્તારના રૂટ પર પણ શાંતિપૂર્ણ રીતે ગણેશ યાત્રા પસાર થઈ હતી. અહીં મુસ્લિમ સમાજના લોકોએ ગણેશ ભક્તોનું સ્વાગત કર્યું હતું.
દર વર્ષે સુરતના લિંબાયત વિસ્તારના મદીના મસ્જીદ વાળા રૂટ પર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા કરાતી હતી પરંતુ આ રૂટ વર્ષો પહેલા બંધ કરી દેવાયો છે. હવે લિંબાયત નિલગિરી વાળા રસ્તા પરથી ગણેશ યાત્રા કાઢવામાં આવે છે. જોકે આ દોઢ કિલોમીટરના આ રૂટ પર હમેશા પોલીસતંત્રની ચાંપતી નજર હોય છે. આ વખતે શુક્રવારના દિવસે ગણેશ વિસર્જન યાત્રા હોવાથી એસઓજીની આખેઆખી ટીમ અહીં ખડકી દેવાઈ હતી. શુક્રવારની નમાઝના સમયે પોલીસે અહીં જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો હતો. શાંતિપૂર્વક વિસર્જન યાત્રા યોજાઈ હતી. અહીં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગણેશ પ્રતિમાનું સ્વાગત કરી કોમી એકતાની ભાવના ઉજાગર કરી હતી. લિંબાયતમાં સંગમ સર્કલ પાસેથી ગણપતિ વિસર્જન યાત્રા પસાર થતા મુસ્લિમ સમાજે ફુલોથી સ્વાગત કર્યું હતું.
લિંબાયતમાંથી મોટાભાગની પ્રતિમાઓ સવારે જ વિસર્જન માટે નિકળી હતી. જોકે બપોર સુધી છુટાછવાયા ગણેશ મંડલો અહીં ગણેશ પ્રતિમાઓ સાથે ઢોલ નગારાના નાદ સાથે રંગેચંગે આગળ વધ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન એસઓજીનો કાફલો અહીં જોવા મળ્યો હતો. આસપાસની મોટાભાગની સોસાયટીઓમાં સ્થળ પર જ ગણપતિનું વિસર્જન કરી તેમને વિદાય આપવામાં આવી હતી.