હડતાળના સંકટ વચ્ચે RBIનો મોટો આદેશ, સરકારી બેંકો ખુલ્લી રહેશે
સતત ૫ દિવસ બેંકો બંધ રહેવાની આશંકા ટળી, નાણાં મંત્રાલયની ભલામણ બાદ લેવાયો નિર્ણય
SBI, PNB, બેંક ઓફ બરોડા સહિતની તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને RRBs સામાન્ય દિવસોની જેમ રહેશે ચાલુ
સોમવારથી શરૂ થઈ રહેલી ૩ દિવસીય બેંક હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને મળશે મોટી રાહત
(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૬
વડોદરા :- જો તમારું બેંક સાથે જોડાયેલું કોઈ અગત્યનું કામ પેન્ડિંગ હોય, તો રવિવારે નિશ્ચિંત થઈને બેંક બ્રાન્ચ પર જઈ શકો છો. સોમવારથી શરૂ થઈ રહેલી બેંક કર્મચારીઓની ૩ દિવસીય હડતાળને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મોટો અને રાહતરૂપ આદેશ આપવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયની ભલામણ બાદ RBIએ રવિવારે પણ દેશભરની સરકારી બેંકો અને રિઝનલ રૂરલ બેંક્સ ચાલુ રાખવાનો વિશેષ નિર્દેશ આપ્યો છે, જેથી ગ્રાહકોને અસુવિધા ન પડે.
સામાન્ય રીતે રવિવારે બેંકોની સાપ્તાહિક રજા હોય છે. પરંતુ આ વખતે ૨૬ સપ્ટેમ્બર (ચોથો શનિવાર) અને ૨૭ સપ્ટેમ્બર (રવિવાર) બાદ, ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બેંક યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જો RBIએ આ નિર્ણય ન લીધો હોત, તો સળંગ ૫ દિવસ સુધી બેંકો બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ શકતી હતી. આટલા લાંબા સમય સુધી કામકાજ ઠપ થવાથી ગ્રાહકોને રોકડ ઉપાડ, ચેક ક્લિયરિંગ, લોન દસ્તાવેજો અને બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત. આ ઉપરાંત, ૩૦ સપ્ટેમ્બરે બેંકોનું અર્ધવાર્ષિક ક્લોઝિંગ પણ છે, જેથી આ વધારાનો કાર્યદિવસ ગ્રાહકો અને બેંકો બંને માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
RBIના સર્ક્યુલર અનુસાર, SBI, PNB, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક સહિતની તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને RRBs રવિવારે સામાન્ય સમય મુજબ કાર્યરત રહેશે. બેંક શાખાઓ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ATM શાખાઓ અને કરન્સી ચેસ્ટ પણ ખુલ્લી રહેશે. બીજી તરફ, HDFC, ICICI અને Axis જેવી ખાનગી બેંકો આ હડતાળનો ભાગ નથી. તેથી તેમની બ્રાન્ચો માટે સામાન્ય રજાના નિયમો લાગુ રહેશે, જોકે કેટલીક ખાનગી બેંકો પોતાની રીતે બ્રાન્ચ ખુલ્લી રાખવાનો નિર્ણય લઈ શકે છે.
બેંકિંગ ક્ષેત્રના ૯૦% કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ દ્વારા આ હડતાળનું આહ્વાન કરાયું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તમામ શનિવારે સત્તાવાર રજા જાહેર કરવી, પેન્શનર્સ માટે એકસમાન મોંઘવારી ભથ્થું લાગુ કરવું અને જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપવાનો સમાવેશ થાય છે. સરકાર અને બેંક મેનેજમેન્ટ દ્વારા યુનિયનોને હડતાળ સમેટવા અપીલ કરવામાં આવી છે, પરંતુ જો સમાધાન નહીં થાય તો આગામી દિવસોમાં સેવાઓ પ્રભાવિત થઈ શકે છે, તેથી ગ્રાહકોને રવિવારના દિવસનો લાભ લેવા અપીલ કરાઈ છે.
બોક્ષ :- હડતાળ દરમિયાન ગ્રાહકો માટે રાહતના સમાચાર.
બેંક હડતાળના સમયગાળા દરમિયાન ગ્રાહકોની સગવડ માટે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. હડતાળના આ ૩ દિવસ દરમિયાન એસબીઆઈ એટીએમમાંથી કેશ ઉપાડવા પર ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આગામી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી એસબીઆઈ સહિતની સરકારી બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકો માટે નેટ બેન્કિંગ, યુપીઆઈ અને મોબાઈલ બેન્કિંગ જેવી તમામ ડિજિટલ બેન્કિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી નાણાકીય વ્યવહારોમાં કોઈ અડચણ નહીં આવે.