ફોટો પડાવતાં આવડે છે ખરું..?

ફોટા વગરની દીવાલ, વિધવા લાગે. ઘરની દીવાલ ઉપર ફોટા  હોય તો ચકલાઓને સરકારી આવાસ મળ્યું હોય એટલી રાહત થાય. ભગવાન સાથ આપે તો એને મેટરનિટી હોસ્પિટલ પણ બનાવી દે..! એક વાત છે, ભલે ઘરવાળા ડોળા કાઢે, પણ એકાદ-બે ફોટા તો ઘરની દીવાલ ઉપર લટકવા જોઈએ. ખબર તો પડે કે, આ ઘરનો ‘રઈસ’ કેવો છે..? ફોટો ઘરમાં હોય કે, દાનવીર તરીકે કોઈ હોલમાં હોય, માત્ર પોલીસ સ્ટેશનમાં ના હોવો જોઈએ..! ફોટાઓ મૂંગા-મંતર છે, એવું તો માનતા જ નહિ.  ફોટા જોઇને ઘણા બોલતા જ નહિ, અમુક તો રડતા-હસતા ને બબડતા પણ થઇ જાય..!

પત્ની દેશમાં હોય, પતિ વિદેશમાં હોય, એ લોકો તો આજે પણ ફોટાઓ જોઇને કેલેન્ડરનાં પાનાં ફાડે છે. ફોટો જોઇને અમુકની તો ઉમરની અડધી સદી વહી ગઈ, છતાં ‘છેડા-ગાંઠી’ વગરના ફરતા હોય..!  સંસારનો આ ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટ પ્લાન છે. સૌ સૌના કોઈ ને કોઈ પ્લાન હોય, એમાં આપણાથી કલ્પનાના પ્લેન નહિ છોડાય..! હશે, બંદાની ઉમર તો  ફોટો પડાવવા જેવી રહી નથી. એક સમયે  ફોટોજેનિક ચહેરો હતો. જેવાં તેવાં નહિ, રાજેન્દ્રકુમારનો વહેમ હતો. ફોટો પડાવવાની તાલાવેલી ને જાહોજલાલી  જે યુવાનીમાં હતી, એની હવા નીકળી ગઈ. માથે ફુગ્ગા જેવાં વાળ હોય, ખિસ્સામાં કાંસકો હોય, ત્યારે ફોટા પડાવતી વખતે વાંકા-ચૂંકા બાવળિયા જેવાં થઇ જતાં. કોઈ ફ્દરી ફરકતી દેખાય તો, બે-ચાર વાર તો વાળમાં કાંસકો ફેરવતાં.

આજે તો કાંસકો પણ ગયો, વાળનો ફુગ્ગો પણ ગયો, ને બેઠાંબેઠ જ વાંકા વળી ગયા..! વાળનો જથ્થો એવો ‘વોક-આઉટ’ કરી ગયો કે, માથે ડામરરોડ થઇ ગયો.  ભૂલમાં પણ કાંસકો ફેરવવા જઈએ તો સનમાઈકા ટાલ  ઉપર કાંસકો ફેરવતાં હોય એવું ફિલ થાય. મને યાદ છે કે, હું જ્યારે “થોડોક નાનો ને થોડોક મોટો હતો”  ત્યારે, બાપા કાનુડાનો વેશ પહેરાવીને  ફોટો પડાવવા સ્ટુડીઓમાં લઇ જતાં. આજના યુવાન જેવી એ વખતે અમારામાં ‘ફોટો-સેન્સ’ નહિ. બાપા કહે એમ જ કરવાનું. પછી ફોટો બતાવીને બાપા જગતને કહેતાં કે, , “આ મારો કાનુડો..!” આજે  જો આ ઉમરે એવાં સન્નિવેશમાં ફોટા પડાવવા ગયા તો, આર્યપત્ની જ પહેલાં તો ખંખેરી નાંખે, ને વાંહળી-વાંહળીએ ધોઈ નાંખે તે બોનસ..!

હવે તો ફોટા માટે આધાર-કાર્ડ, રેશન-કાર્ડ કે ચૂંટણી-કાર્ડ જેવા સરકારી લફરાં માટે જ સ્ટુડીઓમાં જવાનું. આઝાદીની માફક બંદાએ પણ ૭૫ વર્ષની ઉંમર તાણીને ખેંચી નાંખી, છતાં પેટછૂટી વાત કરું તો, આજે પણ મને ફોટો પડાવતાં આવડતું નથી..! ગુજરા હુઆ જમાના તો ઐસા થા કી, ફોટો પડાવતી વખતે આખું ફેમીલી ‘હાજરા-હજુર’ થઇ જતું. પેઢીની છેલ્લામાં છેલ્લી આવૃત્તિ પણ હાજર થઇ જતી. આજે તો ફેમીલીયું શોધવું  પડે, ને ઓળખવું પણ પડે. મેરેજમાં ઝાપટવા ને ફોટા પડાવવા પૂરતું જ રહી ગયું..! બાર ગામના ધણીની માફક ગ્રુપ-ફોટામાં ઊભો રહે ત્યારે ખબર પડે કે, આ લોહીબળ્યો તો સગો નીકળ્યો..! બસ, એ દિવસે ફોટામાં દેખાયો એ દેખાયો, પછી ક્યારેય નહિ દેખાય. વાંક જમાનાનો છે. અમે ભણતા ત્યારે પરીક્ષામાં ‘ગુણ’ અપાતા. હવે ટકા આપવાની ફેશન શરૂ થઇ.  ટકાની શરૂઆત થઈ, ત્યારથી માણસ સોશ્યલમાં ‘ટકો’ થઇ ગયો ને વગર કોરોનાએ સંબંધોમાં ‘સોશ્યલ ડિસ્ટન્સ’ આવી ગયું.

 બાકી, તાજમહાલની ઓથ પકડીને ફોટો પડાવો કે, ઠુંઠા બાવળિયા પાસે ફોટો પડાવો,  ફોટો  પડાવતાં આવડવું જોઈએ..! આજે પણ વાઈફ સાથે ફોટો પડાવતાં મને ફાવતું નથી.  હું રહ્યો એફિલ ટાવર જેવો, ને વાઈફ ટેબલ લેમ્પ જેવી..!  છોટી હાથણ કહો તો પણ ચાલે..! ફોટોગ્રાફર મૂંઝાઈ જાય કે, આ બંનેનો મેળ કેમનો પાડવો..? આના કરતાં તો ભારત અને ચાઈનાને સેટ કરવું ઇઝી પડે..! વાત પણ સાચી કે, ‘કંપની ફોલ્ટ’ હોય એમાં ફોટોગ્રાફર પણ કેટલોક તેજાનો નાંખે..!  એક્ષ-રે નો ફોટો સારો નહિ આવે તો ધૂળ નાંખી, દીદારના ફોટા તો  અફલાતુન હોવા જ જોઈએ. એક તો આપણા ચહેરા  ‘સ્પાઈડર-મેન’ જેવા, ચહેરા કરતાં પીઠના ફોટા સારા આવે..!  પહેલાં તો ફોટોગ્રાફર ફોટો પાડતી વખતે કહેતા, કે  ‘સ્માઈલ-પ્લીઝ..!’  લોકોની ફાંદ એટલી વધી કે, સ્માઈલ પ્લીઝ કહેવાને બદલે, ‘ફાંદ અંદર લીજીયે સા’બ..!’ એમ કહેવું પડે. 

ફોટો પડાવતી વખતે હસતો ચહેરો બનાવવો એ પણ એક  ‘ફેઈસ એક્સપ્રેશન કોમેડી’  છે. છીંક આવે, ઉધરસ આવે કે અંતરસ આવે, હેડકી કે હસવાની લહેર આવે, ત્યારે ચહેરાઓ અચાનક ‘વાઈ-ફાય’ છોડી દે..! એમાં છીંકના તો વળી પ્રકાર પણ અલગ.  કૂતરા ભગાડ છીંક, નોનસ્ટોપ દાંડિયા છીંક, સાયલન્ટ છીંક, ઈંગ્લીશ છીંક. ધાર્મિક છીંક, ક્લાસિકલ છીંક..! સમજો ને  જેવી જેવી છીંક તેવા પ્રકાર..! એમાં અંતકડીની તો ડીઝાઈન જ નોખી..! ગાયક ગાતો હોય ને અંતકડીએ સ્પીડ પકડી તો, તબલચી પણ ગોથું ખાઈ જાય, કે આમાં મારે થાપ ક્યાં  મારવી..? થાપ ક્યાં પડે, ને ગાયકી ક્યાં ચાલે..? એક વાત છે, બુદ્ધિનો સ્ટોક ભલે વિપુલ હોય, પણ લગનની વિધિ અને ફોટા પડાવતી વખતે, બુદ્ધિનું બાષ્પીભવન જરૂર થઇ જાય. એવાં રમૂજી લાગે કે, જોકરને  જોવા સર્કસની મુલાકાત લેવી જ નહિ પડે. ભગવાનનું તો ઠીક, સગા બાપનું નહિ માનનારો વરરાજા પણ ભૂદેવ આગળ ડાહ્યોડમરો થઇ જાય. કહેવાય છે કે, લડવામાં છેલ્લો ફાવે, જમવામાં પહેલો ફાવે પણ ફોટામાં વચલો જ ફાવે..! આજુબાજુવાળા કદાચ કપાઈ જાય, વચલાને કોઈ આંચ નહિ આવે..!

લાસ્ટ ધ બોલ.!
હાથી ઉપર બેસીને તો ઘણા ફોટા પડાવે. બંદાએ હાથીને ઊંચકીને ફોટો પડાવેલો. થયેલું એવું કે, સાઉથ આફ્રિકા ગયો ત્યારે જંગલમાં ઋષિને બદલે એક જ્ઞાની ફોટોગ્રાફર મળેલો. એમણે હાથી ઉપર શીર્ષાસન કરાવીને મારો ઊંધો ફોટો ખેંચેલો..! એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top