World

ટેરિફ વસૂલાત મામલે ટ્રમ્પ તંત્ર ઘેરાયું, 80 દિવસમાં 166 અબજ ડોલર પરત કરવાનો આદેશ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે. ફેડરલ કોર્ટે ટ્રમ્પ તંત્રની એવી દલીલ ફગાવી દીધી છે કે ટેરિફ રિફંડ માત્ર તે જ આયાતકારોને આપવામાં આવે જેમણે સરકાર સામે કેસ દાખલ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફના નામે વસૂલાયેલી રકમ તમામ પાત્ર આયાતકારોને પરત કરવી પડશે. આ મામલામાં કુલ 166 અબજ ડૉલરની રકમ પરત કરવાની જવાબદારી ઉભી થઈ છે. ટ્રમ્પ તંત્રનું કહેવું હતું કે રિફંડ માત્ર લગભગ 4,000 એવા આયાતકારોને જ આપવામાં આવે જેમણે કોર્ટમાં અરજી કરી હતી. આવું કરવામાં આવે તો સરકારને આશરે 11 અબજ ડૉલર જ ચૂકવવા પડે. પરંતુ ફેડરલ જજ રિચાર્ડ ઇટોને આ દલીલને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ટેરિફ રદ થયા બાદ 80 દિવસની અંદર તમામ પાત્ર આયાતકારોને તેમની રકમ પરત કરવાની છે. માત્ર કેસ કરનારાઓને જ રિફંડ આપવાનો અભિગમ કોર્ટના આદેશની ભાવનાની વિરુદ્ધ છે.

જજે સરકારના અર્થઘટન પર પણ સવાલ ઉઠાવ્યો હતો. ટ્રમ્પ તંત્રનો દાવો હતો કે 80 દિવસ દરમિયાન જેટલા રિફંડ થઈ શકે તેટલા કરવામાં આવશે, જ્યારે બાકીના કેસો પછી જોવામાં આવશે. કોર્ટે આ અભિગમને ફગાવીને સ્પષ્ટ કહ્યું કે તમામ ચૂકવણીઓ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. આ ચુકાદા બાદ ટ્રમ્પ તંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. સરકાર હવે ફેડરલ જજના આદેશને યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકારવાની તૈયારી કરી રહી છે. માહિતી મુજબ, અત્યાર સુધીમાં સરકાર દ્વારા લગભગ 90 અબજ ડૉલરના રિફંડ દાવાઓ સ્વીકારવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 23 અબજ ડૉલર પરત કરવા માટે સંબંધિત એજન્સીએ ટ્રેઝરી વિભાગને સૂચના પણ આપી દીધી છે.

સુનાવણી દરમિયાન જજે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકાર પાસેથી વિગતવાર માહિતી માગી હતી કે રિફંડ પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે અને કેટલા લોકોને રકમ પરત કરવામાં આવી રહી છે. કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે નોંધ્યું કે રિફંડ માટે વિકસાવવામાં આવેલી ઓનલાઈન સિસ્ટમ કાર્યરત છે, પરંતુ પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવાની જરૂર છે. જજે ભારપૂર્વક કહ્યું કે સરકાર જે કાનૂની વલણ અપનાવી રહી છે તે તેના પોતાના હિતમાં પણ નથી. આ પહેલાં માર્ચમાં કોર્ટે CBPને તમામ આયાતકારોનો રેકોર્ડ, રિફંડની રકમ અને દાવાની સ્થિતિ દર્શાવતી વિશેષ સિસ્ટમ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ એજન્સીએ 20 એપ્રિલથી ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું.

કોર્ટ હવે એ પણ જાણવા માગે છે કે રિફંડ પ્રક્રિયા કેટલી ઝડપથી આગળ વધી રહી છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે કે નહીં. આ મુદ્દે એજન્સીના વડાને વ્યક્તિગત રીતે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, જોકે ટ્રમ્પ તંત્રે તેમના સ્થાને અન્ય અધિકારીને મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર વિવાદ અમેરિકામાં ટ્રમ્પ તંત્ર અને ફેડરલ કોર્ટ વચ્ચે વધી રહેલા મતભેદોનું વધુ એક ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં અપીલ અને કાનૂની કાર્યવાહીથી આ મામલો વધુ ચર્ચામાં રહે તેવી શક્યતા છે.

Most Popular

To Top